ઓળંગીને નીકળી ગયો એમ એને પોતાને પણ લાગ્યું.
સ્વાર્ટ્ઝ જોડેના ઓરડામાં તેની રાહ જોતો બેઠો હતો. તેણે પગ ખૂબ પહોળા રાખ્યા હતા, ને તેના બંને હાથ તેની પીઠ પાછળ ટોપા જોડે ગેલ કરતા હતા. એનું રમતિયાળ, સુઘડ ને દેખાવડું શરીર જોતાંવેત પીટરનું ચિત્ત પ્રસન્ન થયું, તેને લાગ્યું કે સ્વાર્ટ્ઝ આ બધા બનાવોથી પર છે, ને તેનું મન નિરાશા ગમગીની જેવી કોઈ પણ લાગણીને વશ થાય એવું નથી. તેના મોઢાનો દેખાવ જ કહી આપતો હતો કે ઇવાનના મરણને અંગે થનારી પ્રાર્થના એ કંઇ એવી વસ્તુ નથી કે તેને લીધે રોજના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે—બીજા શબ્દોમાં કહીએ તો, અગાઉથી ઠરાવ્યા પ્રમાણે સાંજે પાનાંની નવી જોડ કાઢીને ચિપાય, ને એક નોકર આવીને ટેબલ પર ચાર નવી મીણબત્તી મૂકી જાય, એ કાર્યક્રમ તો પડતો મુકાય જ નહીં; વસ્તુતઃ આ મરણને લીધે તેમની સાંજની મોજમજામાં કશી ખલેલ પડશે એમ માનવાનું કશું કારણ નહોતું. પીટર એની આગળ થને ગયો ત્યારે સ્વાર્ટ્ઝે એના કાનમાં આ વાત કહી પણ ખરી, અને કહ્યું કે ‘આપણે ફેડોરને ઘેર પાનાં રમવા જઇશું.’ પણ પીટરને તે દહાડે સાંજે ‘બ્રીજ’ રમવાનો યોગ હોય એમ દેખાયું નહીં. ઈવાનની વહુ પ્રાસ્કોવિયા (તે ઠીંગણી ને જાડી હતી; ને તેણે જાડી ન થવાના બધા પ્રયત્ન કરી જોયેલા છતાં ખભા નીચેથી તેની પહેાળાઈ વધ્યે જ જતી હતી; ને જે બાઇ કફન પામે ઊભી હતી તેની પેઠે એની ભમરો પણ જોનારનું ખાસ ધ્યાન ખેંચે એવી હતી), સાવ કાળાં કપડાં પહેરી ને માથે શાલ વીંટાળીને, કેટલીક બાઈઓને સાથે લઈ પોતાના ઓરડામાંથી નીકળી; શબ પડ્યું હતું તે ઓરડો એમને બતાવ્યો; ને બોલી: ‘પ્રાર્થના હમણાં જ શરૂ થશે. અંદર જાઓ.’
સ્વાર્ટ્ઝે એને અડધુંપડધું નમન કર્યું, ચૂપચાપ ઉભો રહ્યો, ને આ નિમંત્રણ ન સ્વીકાર્યું કે ન અવગણ્યું. પ્રાસ્કોવિયાએ પીટરને