લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
 


‘એમને એ બધો વખત ભાન હશે ખરું ?’ પીટરે પૂછ્યું.

‘હા, છેક છેલ્લી પળ સુધી ભાન હતું. મરતા પહેલાં પા કલાક પર અમારી સહુની વિદાય લીધી, ને વૉલેડિયાને ત્યાંથી બીજા ઓરડામાં લઈ જવાનું અમને કહ્યું.’

પોતે તેમજ આ બાઇ બંને કેવો દંભ કરી રહ્યાં હતાં તેનું દુઃખદ ભાન પીટરને હતું. છતાં આ માણસ, જેની સાથે એને પહેલાં નાના આનંદી છોકરા તરીકે, પછી નિશાળના ગોઠિયા તરીકે ને પાછળથી પુખ્ત વયના સાથી તરીકે, જીવનભર બહુ જ ગાઢ પરિચય હતો, તે માણસની વેદનાનો ખ્યાલ કરતાં તેના મનને ત્રાસ વછૂટ્યો. શબની ભમર, ને હોઠ પર દબાઇ રહેલું નાક તેને ફરી નજર આગળ દેખાયાં; ને તેને પોતાનો વિચાર આવતાં બીક લાગી.

‘ત્રણ દહાડાની ભયંકર વેદના, ને પછી મોત ! અરે કદાચ એકાએક મારી પણ એવી દશા થાય તો?’ એ વિચાર આવતાં તેનું મન ભયથી થથરી ઊઠ્યું. પણ–કોણ જાણે કેવી રીતે–સહુને આવે છે એવો વિચાર એકદમ એને પણ આવ્યો કે આ દશા તો ઇવાનની થઇ છે, મારી નથી થઇ; મારી તો એવી દશા થવી ન જોઇએ ને થઈ શકે જ નહીં; થઇ શકે એમ હું માનું તો હું નિરાશાને વશ થયો ગણાઊ; ને એવું તો મારાથી કરાય જ નહીં. શ્વાર્ટ્ઝનો ચહેરો એ જ વાત સ્પષ્ટ રીતે નહોતો કહેતો ? આ વિચાર આવ્યા પછી પીટરને હૈયે ધારણ આવી: ને તેણે રસપૂર્વક ઇવાનના મૃત્યુને લગતી વીગતો પૂછ્યા માંડી — જાણે મૃત્યુનો અકસ્માત ઇવાનને થવો સ્વાભાવિક હતો, પણ પોતાને તો કદી થવાનો જ નહોતો.

ઇવાને જે ખરેખરી ભયંકર શારીરિક વેદના ભોગવી હતી તેની ઘણી વીગતો કહ્યા પછી (પીટરને તો એ વેદનાની પ્રાસ્કોવિયાના મન પર પડેલી અસર પરથી જ ખબર પડી ) પ્રાસ્કોવિયાને