લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
 


કપડાં પહેર્યાં હતાં, ને તેનું પાતળું શરીર પહેલાંના કરતાંયે પાતળું લાગતું હતું. તેના મોઢા પર ગમગીની, નિશ્ચય, ને લગભગ ક્રોધનો ભાવ હતો; ને તેણે સહેજ નીચી વળી પીટરને એવી રીતે નમન કર્યું જાણે પીટરની જ કંઇ કસૂર ન હોય. તેની પાછળ એવી જ રીતે મોઢું ચડાવીને એક શ્રીમંત જુવાન ઊભો હતો. તે મૅજિસ્ટ્રેટ હતો એટલે પીટર એને પણ ઓળખ્યો. ઈવાનની દીકરી સાથે એનું સગપણ થયું છે એમ એણે સાંભળ્યું હતું. પીટરે શોકનો ભાવ ધારણ કરી એમને નમન કર્યું ને ત્યાંથી શબવાળા ઓરડામાં જતો હતો, ત્યાં દાદરા નીચેથી ઇવાન ઇલીચનો નાનો છોકરો નીકળી આવ્યો. તે નિશાળમાં ભણતો હતો, ને તેનું વાન આબેહુબ તેના બાપના જેવું જ હતું. પીટર અને ઇવાન સાથે કાયદો ભણતા ત્યારે ઇવાનને જેવડો જોયાનું પીટરને યાદ હતું તેવો જ નાનકડો ઇવાન આ હતો. એની આંસુઓ ભરેલી આંખોમાં જે ભાવ હતો તેવો ભાવ તેરચૌદ વરસના જે છોકરા ચોખ્ખા મનના નથી હોતા તેમની આંખોમાં હોય છે. પીટરને જોઈ તેણે રીસ ચડાવી, ને શરમિંદા બનીને મોઢું વાંકું કર્યું. પીટરે એની સામે જોઇ ડોકું ધુણાવ્યું, ને શબવાળા ઓરડામાં પ્રવેશ કર્યો. પ્રાર્થના શરૂ થઇ. મીણબત્તીના દીવા, ઊંહકારા, ધૂપ, આંસુ, ને ડૂસકાં. પીટર ગમગીન ચહેરે પોતાના પગ જોઈ રહ્યો. તેણે શબ સામે એક પણ વાર નજર ન નાખી; મનમાં ખેદ, શોક કે ગમગીનીનો ભાવ જરાયે ન ઊપજવા દીધો; અને પ્રાર્થના થઇ રહી કે તરત જે માણસો બહાર ગયાં તેમની સાથે એ પણ નીકળી ગયો. આગલા ઓરડામાં કોઈ નહોતું. પણ જિરાસીમ શબવાળા ઓરડામાંથી દોડતો આવ્યો: રુંવાટીના ડગલા ટિંગાડેલા હતા તેમાં તેણે પોતાના મજબૂત હાથ વડે ખોળંખોળા કરી પીટરનો ડગલો શોધી કાઢ્યો, ને પીટરને પહેરાવ્યો.

‘કેમ, દોસ્ત જિરાસીમ.’ કંઈક કહેવાને ખાતર જ પીટરે કહ્યું.