લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
 


ઘરને બદલે ઑફિસને જીવનનું કેન્દ્ર બનાવવા માંડી. એને લીધે તેને ઑફિસના કામમાં પહેલાંના કરતાં વધારે રસ પડવા લાગ્યો. મોટા મોટા હોદ્દા મેળવવાની તેની આકાંક્ષા પણ વધારે તીવ્ર બનતી ગઇ.

થોડા જ વખતમાં—લગ્ન પછી એક વર્ષની અંદર જ— ઈવાનને સમજાઇ ગયુ હતું કે લગ્નથી જિંંદગીની સુખસગવડમાં થોડોક વધારો કદાચ થતો હશે, પણ ખરું જોતાં તો એ બહુ અટપટી ને વસમી વસ્તુ છે; અને પોતાની ફરજ બજાવવા માટે, એટલે કે સમાજને ગમે છે એવી સભ્ય જિંદગી ગાળવા માટે, માણસે જેમ સરકારી કામ તરફ તેમ વિવાહિત જીવન પ્રત્યે પણ અમુક પ્રકારની વૃત્તિ નિશ્ચયપૂર્વક ધારણ કરવી જોઇએ.

ઇવાને ધીરેધીરે ઘર અને વિવાહિત જીવન પ્રત્યે એવી વૃત્તિ ધારણ કરી. ઘરમાં તેને ભોજન, ઘરવાળી, ને સૂવાની પથારી એટલું મળી શકતું, ત્યાંથી હવે એટલી સગવડ, ને તે ઉપરાંત લોકમત સંતોષાય એટલો બહારનો વિવેક, અટલાની જ અપેક્ષા રાખવાની ટેવ તેણે પાડી. તે ઉપરાંત હળવો વિનોદ, ગમ્મત, રમૂજ, સંસ્કારી વાતાવરણ એ બધું ત્યાંથી મળે તો કેવું સારું, એવી ઝંખના પણ તેને થતી; ને એ મળતું ત્યારે તે મનથી ઘણો આભાર પણ માનતો. પણ તેને બદલે જો ઘરમાં વિરોધ ને કંકાસનું વાતાવરણ જોતો તો તે એકદમ સરકારી કામકાજની જુદી, ને વાડનો આંતરો કરીને નોખી પાડેલી, દુનિયામાં પેસી જતો; ને ત્યાં તેના મનને તૃપ્તિ મળી રહેતી.

ઈવાન સારો અમલદાર ગણાતો. એટલે ત્રણ વરસ પછી તેને મદદનીશ સરકારી વકીલ (પબ્લીક પ્રૉસીક્યુટર)ની જગા મળી. તેની નવી ફરજો, તેનું મહત્ત્વ, પોતાની નજરમાં આવે તે માણસ પર આરોપ મૂકી તેને કેદમાં પૂરવાની શક્યતા, તેનાં ભાષણોને મળતી પ્રસિદ્ધિ, ને આ તમામ વાતોમાં તેને મળેલી સફળતા, એ બધાને લીધે તેને પોતાના કામમાં ઘણો વધારે રસ પડવા લાગ્યો.

બાળકોની સંખ્યા વધવા લાગી. પ્રાાસ્કોવિયા વધારે કજિયાખોર