ને ચિડિયલ બનતી ગઇ. પણ ઇવાને ગૃહજીવન પ્રત્યે જે નવી વૃત્તિ ધારણ કરી હતી તેને લીધે, બૈરીના બબડાટની એના મન પર લગભગ કશી જ અસર થવા પામતી નહીં.
એ ગામમાં સાત વરસ નોકરી કર્યા પછી બીજા પ્રાન્તમાં સરકારી વકીલની જગા પર તેની બદલી થઇ. એ લોકો ત્યાં ગયાં તો ખરાં, પણ પૈસા ખૂટી ગયા હતા, ને ઇવાનની વહુને આ નવું સ્થળ ગમ્યું નહીં. ત્યાં પગાર વધારે હતો તેમ ખર્ચ પણ વધારે હતું. વળી બાળકોમાંથી બે મરી ગયાં, અને ઇવાનને માટે કૌટુંબિક જીવન પહેલાંના કરતાં વધારે ખારું બની ગયું.
નવા ઘરમાં જે કંઇ અગવડ વેઠવી પડે તે દરેકને માટે પ્રાસ્કોવિયા પતિનો વાંક કાઢતી. પતિ પત્ની વચ્ચે જ્યારે જ્યારે, ખાસ કરીને બાળકોની કેળવણી વિષે, વાતચીત થતી ત્યારે મોટે ભાગે તો તેમાં એવા વિષયો નીકળતા જેને લીધે અગાઉની તકરારો યાદ આવતી, ને એ તકરારો ગમે તે ક્ષણે ફરીવાર સળગી ઊઠી તેમાંથી ભડકો થવાનો સંભવ રહેતો. પછી તો માત્ર વિષયસુખના વિરલ પ્રસંગો જ એમની પાસે બાકી રહ્યા. એવા પ્રસંગો એમના જીવનમાં હજુ આવતા, પણ તે લાંબો વખત ચાલતા નહીં. પ્રણયસુખના એ પ્રસંગો ટાપુઓ જેવા હતા; ત્યાં સહેજવાર નાંગરી, વિસામો લઇ તેઓ ફરી છાની શત્રુતાના સાગરમાં સફરે નીકળી પડતાં. તેઓ એકબીજા સાથે અતડાપણું રાખતાં હતાં તેમાં એમની એ છાની શત્રુતાનો ભાવ દેખાઇ આવતો. આવું અતડાપણું ન હોવું જોઈએ એમ ઇવાનને લાગતું હોત તો કદાચ તેને એનું દુઃખ થાત. પણ આ સ્થિતિને તે સ્વાભાવિક માનતો થઇ ગયો હતો, એટલું જ નહીં પણ કૌટુંબિક જીવનમાં આ સ્થિતિ ઉત્પન્ન કરવી એને તેણે પોતાનું ધ્યેય માન્યું હતું. એની ધારણા એવી હતી કે એ કલેશકંકાસથી પોતે દહાડે દહાડે છૂટા થતા જવું, અને એ કજિયા નિર્દોષ છે ને તેમાં સભ્યતાનો ભંગ થતો નથી એવો બહારનો દેખાવ ઊભો કરવો.