મેળવવાની આશાએ તેણે ઘણીવાર બદલી થતાં રોકાવી હતી. એટલામાં એક અણધારી ને અકારી ઘટના બનવા પામી. તેને લીધે તેના શાન્ત જીવનક્રમમાં મોટી ઉથલપાથલ થઇ ગઇ. એક યુનિવર્સિટીવાળા શહેરમાં વડા ન્યાયાધીશની જગા મળશે એવી એની ધારણા હતી, પણ કોણ જાણે કેમ હાપી આગળ આવી એ જગા મેળવવામાં ફાવી ગયો. ઇવાનનો પિત્તો સાવ ખસી ગયો. તેણે હાપીને ઠ૫કો આપ્યો; અને હાપી સાથે તેમજ પોતાના ઉપરી સાથે તકરાર કરી. ઉપરીઓનાં મન ઇવાન પરથી ઊઠી ગયાં; ને બીજી નિમણૂકો થઈ ત્યારે પણ તેમણે એને ટાળી મૂક્યો.
આ વાત ૧૮૮૦ માં બની. ઇવાનની જિંદગીમાં એ કઠણમાં કઠણ વરસ હતું. એ વખતે એને સ્પષ્ટ દેખાયું કે એક તરફ, એના પગારમાંથી કુટુંબનું પૂરું થઈ શકે એમ નથી; ને બીજી તરફ, જે વસ્તુમાં એને મોટામાં મોટો ને નિર્દયમાં નિર્દય અન્યાય દેખાય છે તે બીજાઓની નજરે સાવ મામૂલી બનાવ જેવી લાગે છે. તેના પિતાએ પણ તેને મદદ કરવાની પોતાની ફરજ છે એમ માન્યું નહોતું. ઇવાનને મનમાં એમ જ વસી ગયું કે સહુએ મારો ત્યાગ કર્યો ને વરસે ૩,૫૦૦ રૂબલ (તે વેળાના હિસાબે આશરે ૩,૫૦૦ રૂપિયા)ના પગારવાળી જગા મને મળી છે એ એમને વાજબી લાગે છે, એટલું જ નહીં પણ હું નસીબદાર છું એમ તેઓ માને છે. તેને થયેલા અન્યાયનું ભાન, બૈરીના હંમેશના કજિયા, ને આવક ઉપરાંત ખરચ કરવાથી માથે ચડી ગયેલું કરજ, એ બધાંને લીધે તે કેવો નસીબદાર હતો એ તો એનું મન જ જાણતું હતું.
એ ઉનાળે પૈસા બચાવવાને ખાતર તેણે રજા લીધી, ને બૈરીને લઇ દેશમાં સાળાને ત્યાં રહેવા ગયો.
દેશમાં કંઇ કામધંધો મળે નહીં. એટલ એને જિંદગીમાં ફુરસદનો કંટાળો આવવા લાગ્યો. એટલું જ નહીં પણ મનમાં અસહ્ય ગમગીની પણ રહેવા લાગી. એટલે તેણે મન સાથે નિર્ધાર