કર્યો કે આમ કંઇ જિંદગી ચાલે નહીં: માટે મારે કંઇક ચાંપતા ઇલાજ કરવા જોઈએ.
એક રાત ઊંઘ્યા વિના ઓશરી પર આંટા મારીને તે એવા નિશ્ચય પર આવ્યો કે પીટર્સબર્ગ જઈ ખટપટ કરવી, અને જેમણે મારી કદર કરી નથી તેમને સજા કરવા બીજા ખાતામાં બદલી કરાવી લેવી.
બીજે દિવસે બૈરીએ ને સાળાએ ઘણો વાર્યો છતાં તે પીટર્સબર્ગ જવા ઊપડ્યો. ત્યાં જવામાં હેતુ એક જ હતો ક વરસે પાંચ હજાર રૂબલના પગારવાળી જગા મેળવવી. અમુક જ ખાતામાં નિમાવું, કે અમુક જ વિચારો ધરાવવા, કે અમુક જ પ્રવૃત્તિ કરવી, એવું એના મનમાં હવે નહોતું. એને તો બસ પાંચ હજાર રૂબલના પગારવાળી જગા પર નિમાવું હતું. એ જગા સરકારી વહીવટના કોઈ ખાતામાં હોય, બેંકમાં, રેલવેમાં, મહારાણી મેરિયાની કોઇ સંસ્થામાં, કે પછી ભલે જકાત ખાતામાં હોય તો લેવી—માત્ર એ જગાનો પગાર વરસે પાંચ હજાર રૂબલ હોવો જોઇએ; અને જે ખાતામાં તેની કદર નહોતી થઇ તે સિવાયના કોઇ ખાતામાં જગા હોવી જોઈએ.
આ શોધમાં ઇવાનને ભારે ને અણધારી ફતેહ મળી. કુર્સ્કના સ્ટેશને તેનો એક ઓળખીતો ઇસીન પહેલા વર્ગના ડબામાં દાખલ થયો, ઇવાનની પાસે બેઠો, ને તેણે ખબર આપી કે કુર્સ્કના સૂબા પર હમણાં જ તાર આવ્યો છે કે પ્રધાનમંડળમાં ફેરફાર થવાની તૈયારી છે — પીટર ઇવાનોવીચની જગાએ ઇવાન સેમીનોવીચ નિમાવાનો છે.
આ ફેરફાર રશિયાને સારુ તો મહત્ત્વનો હતો જ, પણ ઈવાનને સારું ખાસ મહત્ત્વનો હતો. પીટર પેટ્રોવીચ, અને અને લીધે તેનો મિત્ર ઝાકાર ઇવાનોવીચ, આગળ આવે તો ઇવાન ઇલીચના પાસા પોબાર પડે એમ હતું; કેમકે ઝાકાર ઇવાનોવીચ તેનો મિત્ર ને