લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
 


આવ્યો. કામો અડધાં થયાં એટલામાં તો એની આશાઓ કરતાં પણ અધિક શોભા થઇ એમ એને લાગ્યું. ઘર આખું જ્યારે ગોઠવાઇ જશે ત્યારે કેવું કલામય ને સુશોભિત દેખાશે, ને એમાં રુચિભંગ થાય એવું કશું નહીં હોય, એ વિચારથી તેનું મન નાચી ઊઠ્યું. ઊંઘતી વખતે તે મન આગળ ચિતાર ખડો કરતો કે દીવાનખાનું કેવું દેખાશે. દીવાનખાનું અધૂરું ગોઠવાયું હતું; તેના તરફ તે નજર નાખતો ત્યારે, તાપવાની સગડી, પડદો, છાજલીઓવાળો ઘોડો, આમતેમ મૂકેલી નાની નાની ખુરસીઓ, ભીંતે મુકેલી નાની મોટી રકાબીઓ ને તાસકો, ને કાંસાની કલાકૃતિઓ એ બધું સહુ સહુને ઠેકાણે જાણે ગોઠવાઇ ગયું છે એવું ચિત્ર તેની કલ્પના સમક્ષ આવીને ઊભું રહેતું. તેની સ્ત્રી અને દીકરી, જેમની અભિરુચિ આ વયમાં તેની પોતાની અભિરુચિ જોડે મળતી આવતી હતી, તેઓ આ બધું જોઇને કેવાં છક થઇ જશે, એ વિચારથી તેને ગલગલિયાં થયાં. તે ખરેખર આટલા બધાની અપેક્ષા તો નહીં જ રાખતાં હોય. કેટલીક જૂની કલાકૃતિઓ શોધી કાઢી સોંઘે મૂલે ખરીદવામાં તેને સફળતા મળી હતી: ને એ વસ્તુઓને લીધે જાણે કોઇ અમીર ઉમરાવનું ઘર ન હોય એવો દેખાવ થઇ ગયો હતો. પણ તે જે કાગળો લખતો તેમાં જાણીબૂજીને દરેક ચીજ વિષે થોડું થોડું, લખવું ઘટે તેના કરતાં કંઇક ઓછું જ, લખતો જેથી મા- દીકરી અહીં આવે ત્યારે તેમને અણધાર્યો આનન્દ થાય. આ બધામાં એનું મન એવું પરોવાઇ ગયું કે, તેને સરકારી કામ ગમતું છતાં, નવી ફરજોમાં તેને ધાર્યા કરતાં ઓછો રસ પડ્યો. ક્યારેક અદાલતનું કામ ચાલતું હોય ત્યારે પણ થોડીક ક્ષણો એનું ધ્યાન બીજે ચાલ્યું જતું; ને પડદાને માટે સીધા ‘કૉર્નીસ’ રાખવા કે વાંકા એના વિચારો જ મનમાં ચાલવા માંડતા. એમાં એને એટલો બધો રસ આવતો કે કેટલીકવાર તો જાતે જ કામ કરવા મંડી પડતો, ને ફરનીચર નવેસર ગોઠવતો કે પડદા નવેસર ટિંગાડતો. એકવાર પડદા