છાતી ઠોકી જોઇ ને કાને નળી મૂકી અવાજ સાંભળી જોયા; અને મોઢુ ભારેખમ કર્યું. એમાં ગર્ભિત આશય એમ કહેવાનો હતો કે ‘તમે જો તબિયતની વાત અમારા હાથમાં સોંપી દોને, તો અમે બેડો પાર ઉતારી આપીશું. એ કેમ કરાય એની અમને પાકી ખબર છે, ને અમને લવલેશ શંકા નથી. સહુનું કામ સરખી રીતે જ પાર ઉતારવાનું હાય છે.’ જેવું તન્ત્ર અદાલતમાં હતું તેવું જ અહીં પણ હતું. ઇવાન પોતે આરોપી સામે જોતાં જેવી મુખમુદ્રા ધારણ કરતો તેવી જ મુખમુદ્રા ડાક્ટરે એની સામે જોતાં ધારણ કરી.
ડાક્ટરે કહ્યું: ‘અમુક અમુક લક્ષણ બતાવે છે કે તમારા શરીરમાં અમુક વ્યાધિ છે. પણ અમુક ડાક્ટર તપાસ કરીને આ અનુમાનને ટેકો ન આપે, તો અમુક વ્યાધિ છે એવું નિદાન કરવું પડે. હું આમ આમ માની લઉં તો......વગેરે.’ ઇવાનને મન તો એક જ પ્રશ્ન મહત્ત્વનો હતો: ‘મારો વ્યાધિ ગંભીર છે કે નહી ?’ પણ એ અઘટિત પ્રશ્ન તરફ ડાક્ટરે ધ્યાન આપ્યું નહીં. એની દૃષ્ટિએ એને આ પ્રશ્નનો વિચાર કરવાનો નહોતો. એને તો નિર્ણય એ કરવાનો હતો કે આ કેસમાં મૂત્રાશય તરે છે, કે જૂની શરદી છે, કે ઍપેંડીસાઇટીસ છે. એ ઇવાનના જીવનમરણનો સવાલ નહોતો, પણ તરતા મૂત્રાશય કે ઍપેંડીસાઇટીસ વચ્ચે નિર્ણય કરવાનો સવાલ હતો. અને ડાક્ટરે એ સવાલનો ચુકાદો ઍપેંડીસાઇટીસની તરફેણમાં આપ્યો, એમાં એણે અસાધારણ કુશળતા વાપરી એમ ઇવાનને લાગ્યું. ડાક્ટરે માત્ર એટલું કહી રાખ્યું કે પેશાબ તપાસતાં કંઇ બીજાં ચિહ્નો દેખાશે તો આ વિષયનો ફરી વિચાર કરવો પડશે. ઇવાને પોતે આરાપીઓ જોડે કામ લેવામાં હજારોવાર કુશળતાપૂર્વક આ જ વસ્તુ કરી હતી. ડાક્ટરે આખી વાતનો સારી એટલી જ છટાદાર વાણીમાં સંભળાવ્યો; ને આરોપીની સામે ચશ્માંની ઉપર થઇને, જાણે પોતાનો વિજય થયો હોય એવી રીતે ને કંઇક આનંદભેર આરોપીજ સામે નજર નાખી. ડાક્ટરના ઉપસંહાર પરથી ઇવાને એટલો