વિષે ડાક્ટરની સૂચનાનું ચોકસ પાલન કરવું, અને દરદનું ને ઝાડાપેશાબનું નિરીક્ષણ કરવું, એ જ તેનો મુખ્ય વ્યવસાય થઈ પડ્યો. લોકોનાં દરદ ને લોકોનું આરોગ્ય એની જ વાતોમાં એને વધારેમાં વધારે રસ પડવા લાગ્યો. કોઇ માણસ માંદું પડ્યાની, મરી ગયાની કે સાજું થયાની વાત એની હાજરીમાં થાય—ખાસ કરીને એ માંદગી એની પોતાની માંદગીને મળતી હોય—ત્યારે તે કાન માંડીને સાંભળી રહેતો. એ સાંભળતાં એના મનમાં જે ફફડાટ થતો તે ઢાંકવાનો પ્રયત્ન કરતો, પ્રશ્ન પૂછી જોતો, ને જે કંઇ સાંભળ્યું હોય તે પોતાની માંદગીને લાગુ પાડતો.
દુખાવો ઓછો થતો નહોતો, પણ ઇવાને પરાણે મનને એમ મનાવવા મથતો કે મારી તબિયત સુધરી છે. જ્યાં સુધી તેના મનને કશી અકળામણ થવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી તો તે આ પ્રયત્નમાં ફાવતો. પણ સ્ત્રી જોડે સહેજ પણ ખટરાગ થાય, સરકારી કામમાં કંઇક નિષ્ફળતા મળે, કે બ્રીજમાં ખરાબ પાનાં આવે, કે તરત જ તેને એકાએક દરદનુ તીવ્ર ભાન થતું. પહેલાં તે આવી mischances સહન કરી લેતો; અને બગડેલી બાજી થોડા જ વખતમાં સુધારી લેવાની, મુસીબતોને તરી પાર ઊતરવાની, ને સફળતા મેળવવાની, કે રમતમાં ડંકો વગાડવાની આશા રાખતો. પણ હવે સહેજ પણ અણધારી મુસીબત આવેને ધાર્યું કામ ન થાય તો તે નિરાશામાં ડૂબી જતો. તે મનમાં કહેતો; ‘જોને, હું જરાક સાજો થવા માંડ્યો હતો ને દવાની અસર થવા માંડી હતી ત્યાં પાછી આ આફત આવી પડી કે પેલાની સાથે ખટરાગ થયો......’ અને એ પેલી અરૂચિકર ઘટના પર, અથવા જે લોકો તેને ચીડ કરાવતા હતા ને તેનો જીવ લઇ રહ્યા હતા તેમના પર, બહુ જ ગુસ્સે થઇ જતો. આ ગુસ્સો મારે માટે ઘાતક છે એવું ભાન તો તેને હતું, છતાં એને તે રોકી શકતો નહીં. સંજોગો ને માણસો પર આ રીતે ગુસ્સો કરવાથી તો મારી માંદગી વધે છે, ને તેથી મારે અણગમતા બનાવો