લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
 


જરાયે લાગ્યો નથી. ઇવાને ‘રબર’ પુરું કર્યું. રમનારા સહુ ગમગીન થઈને ચૂપચાપ રમતા હતા. ઇવાનને લાગ્યું કે મેં પોતે જ એમના પર આ ગમગીની ઢોળી છે, ને હું તે દૂર કરી શકતો નથી. મહેમાનો બધા જમ્યા ને ઘેર ગયા, એટલે ઇવાન એકલો પડ્યો. ‘મારું જીવન વિષમય થઇ ગયું છે, ને હું બીજાનાં જીવનને વિષમય બનાવી રહ્યો છું. અને એ વિષ ઓછું થતું નથી પણ મારી રગે રગે વધારે ને વધારે ઊંડુ ઊતરતું જાય છે,’ એ વિચાર તેના મનમાં ઘોળાયાં કર્યો.

એક તરફ આ વિચાર ચાલતો હોય, ને બીજી તરફ બીક લાગતી હોય ને શરીરમાં વેદના થતી હોય, એવી સ્થિતિમાં તે સૂઈ જતો; પણ ઘણીવાર તેને રાતનો મોટો ભાગ જાગતા પડી રહેવું પડતું. બીજે દિવસે સવારે પાછા ઊઠીને કપડાં પહેરી અદાલતમાં જવાનું, બોલવાનું ને લખવાનું તો હોય જ. અથવા, બહાર ન જાય. તો, દિવસના ચોવીસે કલાક ઘરમાં ગાળવા પડે; ને એમાંનો એકએક કલાક ભારે ત્રાસદાયક લાગે. આવી રીતે, ઊંડી ખાઇની કોર પર તેને એકલાને રહેવું પડતું; ને તેને સમજે કે તેની દયા ખાય એવું કોઈ નહોતું.

એમ એક પછી એક મહિના વીતતા ગયા. નાતાલના અરસામાં તેનો સાળો શહેરમાં આવી તેને ત્યાં ઊતર્યો. એ આવ્યો તે વખતે ઇવાન અદાલતમાં હતો, ને પ્રાસ્કોવિયા બજારમાં ખરીદી કરવા ગઇ હતી. ઇવાન ઘેર આવી અભ્યાસખંડમાં દાખલ થવા જાય છે ત્યાં તેના સાળાને જાતે પેટી ખોલતાં જોયો; તે નીરોગી ને લાલબૂમ હતો. ઇવાનના પગરવ સાંભળી તેણે માથું ઊંચું કર્યું, ને પળવાર તો અવાચક બનીને તેની સામે આંખો ફાડી રહ્યો. એ દૃષ્ટિપાતે જ ઈવાનને જે કહેવાનું હતું તે બધું કહી દીધું. સાળાએ ‘અર્‌ર્‌ર’ કહેવા મોઢું તો ઉઘાડ્યું, પણ રોકાઇ ગયો. આ વસ્તુએ જ ઈવાનનું અનુમાન સાચું ઠરાવ્યું.