લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
 


તે જિરાસીમ શહેરના માણસો પાસેથી શીખ્યો હતો.

‘તારે હવે શું કામ બાકી છે?’

‘શું બાકી છે? કાલને માટે લાકડાં ચીરવા સિવાયનું બધું કામ મેં પતવી દીધું છે.’

‘તો મારા પગ હજી જરા પકડી રાખ તો. પકડી રખાશે?’

‘હા જી, જરૂર. શા સારુ નહીં રખાય ?’ જિરાસીમે શેઠના પગ ઊંચા કરીને પકડી રાખ્યા. ઇવાનને લાગ્યું કે આ સ્થિતિમાં જરાયે દુખાવો થતો નથી.

‘પણ લાકડાંનું શું થશે ?’

‘એની ફિકર ન કરશો, સાહેબ. હજી તો ઘણો વખત છે.’

ઇવાને જિરાસીમને બેસાડી તેની પાસે ઊંચા કરેલા પગ પકડી રખાવ્યા, ને તેની જોડે વાતો કરવા માંડી. આશ્ચર્ય તો એ કે જિરાસીમે પગ પકડી રાખ્યા એટલો વખત એને એમ લાગ્યું જાણે મને સારું છે.

ત્યારપછી ઈવાન અવારનવાર જિરાસીમને બોલાવતો, ને તેના ખભા પર પોતાના પગ મુકાવી તે પકડી રાખવાનું કહેતો. જિરાસીમની જોડે વાતો કરવી એને ગમતી. જિરાસીમ એ બધું કામ સહેલાઇથી, રાજીખુશીથી, સરળતાથી, ને એવા સદ્‌ભાવથી કરતો કે ઇવાનનું હૃદય પીગળી જતું. બીજા માણસોમાં આરોગ્ય, બળ ને ચેતન જોઈ તે નારાજ થઈ જતો; પણ જિરાસીમનાં બળ ને ચેતનથી તેનુ મન દુભાતું નહી પણ ઊલટું શાન્ત પડતું.

ઇવાનના દિલને વધારેમાં વધારે દર્દ તો એક છેતરપિંડી, એક જૂઠાણું, જોઇને થતું. એ જૂઠાણું કોણ જાણે શા કારણસર સહુ સાચું માનતાં હતાં. તે એ કે ઇવાન મરવા નથી પડ્યો પણ માત્ર માંદો છે; અને તે માત્ર શાન્ત રહે ને ઉપચાર કરે તો કંઇક બહુ સારું પરિણામ આવશે. પણ એને પોતાને તો ખબર હતી કે એ લોકો ભલેને જે કરવું હોય તે કરે, પણ એથી કશું વળવાનું