સવાલ સમજવા માગતો નથી; એટલે ઈવાન કહે છે: ‘રોજના જેવી જ ભયંકર. દરદ જરાયે મારો કેડો મુકતું નથી ને શમતું નથી. માત્ર કંઇક.....'
‘હા, હા, તમે દર્દીઓ હંમેશાં એમ જ કહ્યા કરો છો..... જુઓ, હવે મને લાગે છે મારી ટાઢ ઊડી ગઇ. પ્રાસ્કોવિયા બહુ કાળજી લેનારાં છે, છતાં એમને પણ મારા શરીરની ગરમી ઓછી ન લાગી. લો, હવે હું સાહેબજી કહી શકું એમ છું.’ કહી ડાક્ટર દરદીનો હાથ દબાવે છે.
પછી, અત્યારસુધીનો વિનોદ છોડી, બહુ જ ભારેખમ મોઢું કરી, તે દરદીને તપાસવા માંડે છે. તેની નાડના ધબકારા ગણે છે. તેના શરીરની ગરમી માપે છે. પછી છાતી ઠોકી જુએ છે, ને છાતી પર નળી મૂકે છે.
ઇવાનને પાકી ને ચોકસ ખબર છે કે આ બધું નિરર્થક છે, નરી છેતરપિંડી છે. પણ ડાક્ટર ઢીંચણ પર પડી દરદીના શરીર ઉપર વાંકો વળે છે; પહેલાં ઉપલા ભાગ પર ને પછી નીચલા ભાગ પર કાન ધરે છે; ને મોઢા પર અમુક વિશેષ અર્થવાળો ભાવ લાવી દર્દીના શરીર પર અનેક જાતની કસરત કરતો હોય એમ વાંકોચૂંકો વળે છે. ઇવાન એ બધું સાંખી રહે છે, અદાલતમાં તો વકીલોનાં ભાષણ એવી જ રીતે સાંખી લેતો; જો તેઓ બધા જૂઠ્ઠું બોલે છે, ને શા માટે જૂઠ્ઠું બોલે છે, એની એને પાકી ખબર હતી.
ડાક્ટર સોફા પર વાંકો વળી દરદીની છાતી ઠોકતો હોય છે એટલામાં બારણા આગળ પ્રાસ્કોવિયાના રેશમી પોશાકનો ફફડાટ થાય છે, ને ડાક્ટર આવ્યાની ખબર એને ન આપવા માટે તે પીટરને ઠપકો આપતી સંભળાય છે.
તે અંદર આવે છે, પતિને ચૂમી લે છે, ને એકદમ એમ પુરવાર કરવા જાય છે કે ‘હું તો ક્યારની તૈયાર થઇને બેઠી હતી. પણ મને ખબર ન પડી એટલે જ ડાક્ટર આવ્યા તે વખતે અહીં