વાસ્યા જ મને સમજી શકે છે ને મારી દયા ખાય છે.
આવેલાં બધાં બેઠાં ને ફરી તબિયતની ખબર પૂછ્યા લાગ્યાં. પછી થોડી વાર મૌન રહ્યું, લીઝાએ માને નાટક જોવાના ‘દૂરબીન’*[૧] વિષે પૂછ્યું. તે કોણે લીધેલું ને ક્યાં મૂક્યું છે, એ વિષે માદીકરી વચ્ચે બોલાચાલી થઈ. તેને લીધે જરા રંગમાં ભંગ પડ્યા જેવું થયું.
ફેડોર પેટ્રોવીચે ઇવાનને પૂછ્યું: ‘તમે સારા બર્નહાર્ટને જોઈ છે ?’ ઇવાન પહેલાં તો સવાલ સમજ્યો નહીં. પણ પછી જવાબ દીધો: ‘ના. તમે એને પહેલાં જોઇ છે ?’
‘હા. એકવાર એક નાટકમાં જોયેલી.’
સારા બર્નહાર્ટ કેટલોક ભાગ ભજવતી હતી તેની વાત પ્રાસ્કોવિયાએ કરી. લીઝાએ જુદો મત દર્શાવ્યો. સારાના અભિનયમાં ગૌરવ અને વાસ્તવદર્શન કેટલાં છે એ વિષે વાત ચાલી. આ જાતની વાતચીત હંમેશાં થાય છે, ને એકની એક ઘરેડમાં ચાલે છે.
આ વાતચીત દરમ્યાન ફેડોરે ઇવાન તરફ નજર નાંખી, ને તે એકદમ ચુપ થઇ ગયો. બીજાંએ પણ એની સામે જોયું ને ચૂપકી પકડી. ઇવાન ચળકતી આંખે એકીટસે સામે જોઇ રહ્યો હતો, ને આ બધા પર ગુસ્સે થયેલો લાગતો હતો. આ સ્થિતિમાં સુધારો કરવાની જરૂર હતી; પણ તેમ કરવું અશક્ય હતું. મૌન તોડવાની જરૂર હતી; પણ કેટલોક વખત તો જીભ ઉપાડવાની કોઈની હિંમત જ ચાલી નહીં. સહુને બીક લાગી કે લોકરૂઢિને અનુસરીને જે છેતરપિંડી તે સહુ ચલાવી રહ્યાં હતાં તે ઉઘાડી પડી જશે ને સાચી વાત સહુને સ્પષ્ટ દેખાશે. લીઝાએ સહુથી પહેલી હામ ભીડી એ મૌન તોડ્યું; પણ જે લાગણી દરેક જણના મનમાં હતી તે ઢાંકવાનો પ્રયત્ન કરીને તેણે ઊલટી એ લાગણી ઉઘાડી પાડી.
- ↑ * નાનું ‘બાઈનૉક્યુલર’, જેના વડે નાટકમાં દૂર બેઠેલું માણસ પણ રંગભૂમિ પર માલતું દૃશ્ય નજીક બેસીને જોતું હોય એવું જોઈ શકે.