નિરર્થક ને ભયાનક ન હોઇ ન શકે. પણ એ ખરેખર ભયાનક ને નિરર્થક વીત્યું છે; તો પછી મારે મરવાનું શા સારુ આવે—ને તે પણ આમ રિબાઈ રિબાઇને શા સારું મરવું પડે ? આમાં કંઇક ભૂલ હોવી જોઈએ!’
‘સંભવ છે મારે જેવી રીતે જીવવું ઘટતું હતું એવી રીતે હું ન જીવ્યો હોઉં.’ આ વિચાર તેના મનમાં એકાએક ઝબકારાની પેઠે આવ્યો. ‘પણ એમ કેમ બની શકે? મેં તો એકેએક કામ યોગ્ય રીતે જ કર્યું હતું,’ તેણે જવાબ આપ્યો. જીવન મરણના તમામ
કોયડાઓનો આ જે એકમાત્ર ઉકલ છે, તેને તેણે સાવ અશક્ય વસ્તુ ગણીને મનમાંથી તરત જ કાઢી નાખ્યો.
‘ત્યારે હવે તારે શું જોઇએ છે? જીવવું છે? કેવી રીતે જીવવું છે? “જજ સાહબ આતે હૈં!” એમ છડીદાર અદાલતમાં પોકારતો ત્યારે તું જેવી રીતે જીવતો હતો એવી રીતે જીવવું છે? જજ સાહેબ આવે છે, જજ સાહેબ !’ તે મનમાં જ કહેવા લાગ્યો. ‘જજ તો આ આવ્યા. પણ હું ગુનેગાર નથી હોં!’ તે ક્રોધથી બોલી ઊઠ્યો. આ બધું શાને સારું છે? તે રડતો બંધ થયો, પણ દીવાલ તરફ મોઢું ફેરવીને એક જ સવાલ પર વિચાર કરવા લાગ્યો: આ બધો ત્રાસ શાને સારુ, ને શા હેતુસર છે? પણ તેણે ગમે તેટલો વિચાર કર્યો તોયે તેને કશો જવાબ મળ્યો નહીં. મારે જીવવું ઘટતું હતું તેવી રીતે હું નથી જીવ્યો તેનું આ બધું પરિણામ છે, એ વિચાર એને જેટલીવાર આવતો—ને ઘણીવાર આવતો—તેટલીવાર તે એમ યાદ કરતો કે મારા જીવનમાં મેં જરાયે અનીતિ નથી કરી. અને તેથી તે પેલા વિચિત્ર વિચારને મનમાંથી હાંકી કાઢતો.
બીજું એક પખવાડિયું વીતી ગયું. ઇવાન હવે સોફામાંથી ખસતો નહીં, ખાટલા પર ન સૂઇ જતાં સોફા પર જ પડી રહેતો,