છતાં, તેને જે એકલતા લાગતી તે આના કરતાં બીજી કોઇ પણ જગ્યાએ — દરિયાને તળિયે કે પૃથ્વીના ઉદરમાં પણ — વધારે સુનકારવાળી ન લાગત. એ ભીષણ એકલતા દરમ્યાન ઇવાન કેવળ ભૂતકાળનાં સ્મરણોમાં જ વસતો હતો. તેના ભૂતકાળનાં ચિત્રો એક પછી એક તેની નજર સામે ખડાં થતાં હતાં. તેની શરૂઆત જે વસ્તુ સમયની દૃષ્ટિએ નજીકમાં નજીક હોય તેનાથી થતી, અને પછી દૂરદૂરની ઘટનાઓ આવતી, બાળપણનાં સ્મરણો જાગતાં, ને એ પ્રવાહ ત્યાં અટકી જતો. તે દિવસે એને ખાવામાં બાફેલાં ‘પ્રૂન’*[૧] અપાયાં હોય ને તેનો વિચાર આવ્યો હોય, તો પછી બાળપણમાં કેવાં કાચાં સુકાઇ ગયેલાં ફ્રેંચ પ્રૂન મળતાં તેની અમુક પ્રકારની ખાસ સુવાસ આવતી, ને એના ઠળિયા ચૂસતાં મોંમાં કેવું પાણી છૂટતું, એ યાદ આવતું. એ સ્વાદના સ્મરણની સાથે એ દિવસોનાં સ્મરણોની આખી હારમાળા ચાલી આવતી: તેની આયા, તેનો ભાઇ, ને તેમનાં રમકડાં, એ બધું યાદ આવતું. ના, મારે એનો વિચાર ન કરવો જોઇએ......એ બધું યાદ કરતાં દુઃખ થાય છે, ને એ દુઃખ નથી સહ્યું જતું, એમ તે મનમાં કહેતો; પાછો વર્તમાન સમયના વિચાર પર આવતો; ને સોફાની પીઠ પરના બટન વિષે ને સોફા પરના મૉરૉક્કો ચામડા વિષે વિચાર કરવા માંડતો. ‘મૉરૉક્કો ચામડુંં મોંઘું છે પણ તે ઝાઝું ટકતું નથી. એને વિષે તો અમારે વરવહુને તકરાર થયેલી. અમે બાપાજીનું ચામડાનું દફ્તર ફાડી નાખેલું ને અમને માર પડેલો ત્યારની તકરાર જુદી જાતની હતી, ને ત્યારનું મૉરૉક્કો ચામડું પણ જુદી જાતનું હતું. તે વખતે બાએ અમને મીઠાઈ આપેલી......’ પાછા એને બાળપણના વિચાર આવવા લાગ્યા. એ વિચારોથી દુઃખ થવા લાગ્યું; એટલે તેણે એ વિચારોને હાંકી કાઢી બીજી કોઈ વસ્તુ પર ચિત્તને ઠેરવવાનો
- ↑ *એક ઠળિયાવાળું ફળ.