પ્રયત્ન કર્યો.
પછી ફરી, એ સ્મરણમાળાની સાથે બીજી એક માળા એના મનમાંથી પસાર થઇ ગઈ — એની માંદગી કેવી રીતે નાનીમાંથી મોટી થઇ ને દહાડે દહાડે બગડતી ગઇ હતી તે યાદ આવ્યું. એમાં પણ એ જેમ જેમ ભૂતકાળમાં વધારે દૂર જતો ગયો તેમ તેમ જીવનમાં સુખ વધારે દેખાતું ગયું. જીવનમાં સુખ અને સ્ફૂર્તિ બંને એ વખતે વધારે હતાં. બે ભેગાં થઇ એકરસ બની ગયાં હતાં. તેણે વિચાર કર્યો: ‘જેમ દરદ વધતું ગયું તેમ મારું જીવન પણ વધારે ને વધારે દુઃખમય થતું ગયું. ત્યાં ભૂતકાળમાં, જીવનની શરૂઆતમાં, એક ઊજળું ટપકું છે; પછી બધું વધારે ને વધારે કાળું થતું જાય છે; અને મૃત્યુ જેમ જેમ પાસે આવતું જાય છે તેમ તેમ કાળાશ ઉત્તરોત્તર વધતી જાય છે.’ કાંકરો ઊંચેથી નીચે પડે ત્યારે તેનો વેગ ઉત્તરોત્તર વધતો જાય છે, એ દાખલો એને યાદ આવ્યો. જીવન એ વધતાં જતાં દુઃખોની ઘટમાળ છે, ને તે ઊડતું ઊડતું તેના અન્ત તરફ — એટલે કે ભીષણમાં ભીષણ દુઃખ તરફ આગળ વધે છે. ‘હું ઊડું છું ..’ તે થથરી ઊઠ્યો. તેણે પાસું ફેરવ્યું, ને સામા થવાનો પ્રયત્ન કર્યો, પણ તેને ખબર પડી ગઈ હતી કે સામા થવાનો પ્રયત્ન મિથ્યા છે. તેની આંખો જોઈજોઇને થાકી ગઈ હતી, છતાં તેનાથી સામે જોવાનું બંધ કરી શકાતું નહોતું. એટલે તે સોફાની પીઠ તરફ ટગરટગર જોઇ રહ્યો. તે રાહ જોવા લાગ્યો — પેલું ભયંકર પતન, ને આઘાત, ને વિનાશ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગ્યો.
‘સામે થવું તો અશક્ય છે!’ તેણે મનમાં કહ્યું. ‘અરે, આ બધું શાને માટે છે એટલું જ હું સમજી શક્યો હોત તોયે બસ હતું ! પણ એય અશક્ય છે. એક ખુલાસો આપી શકાય એવો છે ખરો. પણ તો તો માટે એમ કહેવું પડે કે મારે જેવી રીતે જીવવું જોઇતું હતું. તેવી રીતે હું જીવ્યો નથી. પણ એમ તો કહી શકાય