લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
 


એના ઉછાળાને, મેં તરત જ દબાવી દીધેલા. પણ સંભવ છે કે એ અવાજે ચીંધેલો રસ્તો જ સાચો હોય, ને હું આડે રસ્તે ચડી ગયો હોઉં. મારી ધંધાની ફરજો, મારા જીવનની ને મારા કુટુંબની બધી ગોઠવણ, ને સમાજ અને સરકારના કામકાજમાં મેં લીધેલો રસ ને મારા રંગરાગ, એ બધા મારા અવળા ધંધા હોય. એ બધાં કામોનો તેણે પોતાના મનની સમક્ષ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ બચાવ કેવો લૂલો છે તેનું તેને એકાએક ભાન થઇ આવ્યું. તેણે જોયું કે મેં જે કંઇ કર્યું છે તેને માટે કશો બચાવ જ થઇ શકે એમ નથી.

તે મનમાં કહેવા લાગ્યો પણ જો એમ હોય, ને મને જે કંઇ મળેલું તે મેં વેડફી નાખ્યું ને હવે એ ભૂલ સુધારવાનો કશો ઇલાજ જ નથી, એવું ભાન મનમાં લઈને હું આ સંસારની વિદાય લેવાનો હોઉં, — તો શું?’

તેણે સોફા પર પડ્યે પડ્યે પોતાના જીવનનું નવી જ રીતે અવલોકન કરવા માંડ્યું. સવારે તેણે પહેલાં નોકરને, પછી પત્નીને, પછી દીકરીને, તે પછી ડાક્ટરને એક પછી એક જોયેલાં ત્યારે તેમનું એકએક વચન ને તેમની એકએક હિલચાલ તેને કહી આપતાં હતાં કે તેને રાતે જે ભીષણ સત્ય દેખાયું તે સાચું છે. એ બધાંમાં એણે પોતાનું જ પ્રતિબિંબ જોયું; પોતે જે જે વસ્તુને માટે જીવ્યો હતો તે બધી એમનામાં મૂર્તિમંત થયેલી જોઇ; અને તેને દીવા જેવું દેખાઇ આવ્યું કે આ સત્ય નથી, પણ આ એક ભીષણ ને જબરદસ્ત છેતરપિંડી છે, ને એણે જીવન અને મૃત્યુ બંનેને ઢાંકી દીધાં છે. એને આ વસ્તુસ્થિતિનું ભાન થયું એને લીધે એની શારીરિક વેદના દસગણી વધી ગઈ. તે કણસવા લાગ્યો, સૂતો સૂતો જ ઉછાળા મારવા લાગ્યો; અને પહેરેલાં કપડાંથી શ્વાસ રૂંધાતો હતો ને જીવ અકળાતો હતો એટલે કપડાં ખેંચવા લાગ્યો. ને એટલા માટે એને કપડાં અકારાં થઈ પડ્યાં.