તેને અફીણનો એક મોટો ડોઝ આપવામાં આવ્યો એટલે તે બેભાન થઇ ગયો. પણ મધ્યાહ્ને દરદ ફરી શરૂ થયું. તેણે બધાંને કાઢી મૂક્યાં, ને એક પડખેથી બીજે પડખે ઉછાળા મારવા માંડ્યા.
પ્રાસ્કોવિયા એની પાસે આવી ને કહેવા લાગી:
‘ઝાં, મારા વહાલા, આટલું મારે ખાતર ન કરવા દો? એથી નુકસાન કશું નથી થવાનું. ઘણીવાર એથી ફાયદો થાય છે. સાજા માણસ પણ ઘણીવાર કરાવે છે.’
ઇવાને આંખો ફાડી. ‘શું? પાદરીને બોલાવી ધર્મક્રિયા કરાવું ? કેમ ? કશી જરૂર નથી એની. છતાં ....……’
પ્રાસ્કોવિયા રડવા લાગી. ‘હા, વહાલા, એટલું જરૂર કરાવવા દો. હું પાદરીને બોલાવું. કેવા સારા માણસ છે આપણા પાદરી !’
‘ભલે. બહુ સારું,’ ઈવાન ગણગણ્યો.
પાદરીએ આવી ઇવાનની પાપની કબૂલાત સાંભળી ત્યારે ઇવાનનું હૈયું પીગળી ગયું; તેને પોતાની શંકાઓનું ને તેથી દુઃખનું નિવારણ થતું લાગ્યું; ને પળવાર આશાનું એક કિરણ દેખાયું. તે ફરી ઍપૅંડિક્સનો વિચાર કરવા લાગ્યો, ને તે સુધરશે એવી આશા તેને આવી. પાદરીએ આપેલા આશીર્વાદ માથે ચડાવતાં તેની આંખમાં આંસુ આવ્યાં.
આ પછી એને ફરી સુવાડ્યો ત્યારે એને ક્ષણેકવાર આરામ લાગ્યો, ને હું કદાચ જીવી જઇશ એવી આશા મનમાં ફરી જાગી. ડાક્ટરોએ તેને જે ઑપરેશન કરાવવાનું કહેલું તેનો વિચાર તે કરવા લાગ્યો. ‘જીવવું છે! મારે જીવવું છે!’ તે મનમાં કહેવા લાગ્યો.
ધર્મક્રિયા થયા પછી પ્રાસ્કોવિયા તેને અભિનન્દન આપવા આવી, ને એવે વખતે રિવાજ પ્રમાણે કહેવાય એટલા શબ્દો કહી ઉમેર્યું :
‘તમને જરા આરામ લાગે છે, નહીં?’
તેની સામે જોયા વિના ઇવાને કહ્યું: ‘હા.’
પ્રાસ્કોવિયાનો પોશાક, તેનું શરીર, તેના ચહેરા પરનો ભાવ,