પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો. અશ્રુપાતનો આરંભ એકાએક થઈ વરસાદને બદલે તીડની ઉપમાને પામી શરીરના વિકાસને ક્ષીણ કરી નાખશે તો આર્યભૂમિનું શું થશે, જગતના ઉદ્ધાર માટે ઉત્પન્ન થયેલું આ અલૌકિક અપૂર્વ દેહવૃક્ષ નિઃસત્વ થશે, તો આટલા વર્ષથી પોષેલાં અને પક્વ થવાં આવેલાં તેનાં તર્કફલ લોકથી અજ્ઞાત રહ્યાં રહ્યાં જ કેવાં શુષ્ક થઈ જશે, જે પરમ તત્વો લોક કલ્યાણ માટે મેં શોધી કહાડ્યાં છે તે સમજવાનું મારામાં બળ ક્યાંથી રહેશે અને મર્ત્યલોક પ્રતિ સ્વર્ગનું દ્વાર સદાને માટે બંધ થતું કેમ જોવાશે; આવી પરહિતની ચિંતાઓ આપત્તિમાં પણ મારું મહાપુરુષત્વ સિદ્ધ કરતી હતી. તેવામાં એકાએક ઉપરથી કોઈએ શિલા ખસેડી અને મારા શિર પરનો ભાર મારા તર્ક સાથે ખસી ગયો. અંદરના અને બહારના અંધકારને સરખાવી જોવામાં ખોટી થવું ઠીક ન લાગ્યું. કેમ કે ઢાંકણું પાછું બંધ થઈ જાય તો તો ઘીનો ગાડવો મહોડે ધર્યા પછી ચામડાની ગંધથી નાક ઊંચું કરતાં ઘી ઢોળી નાખ્યા જેવું થાય, તેથી આંખો મીંચીને મેં કૂદકો માર્યો અને એક આખું પગથિયું ઓળંગી જઈ હું ઉપર આવ્યો.

'ઉપર આવ્યા પછી શિલા ખસેડનારનો ઉપકાર માનવો એવો સંકલ્પ શિલા ખસી તે પહેલાંનો મેં કરી મૂક્યો હતો, પરંતુ ઉપર આવ્યો ત્યારે કોઈ ત્યાં હતું નહિ અને કોઈ દૂર જતા જણાયા. તેમને અંધારામાં પાછા આવવાનો પરિશ્રમ આપવો અને શિલા ખસેડનાર તે તે જ છે એમ જાણ્યા વિના તેમને ઉપકારના ઋણમાં નાખવા એ ઉચિત નહોતું; તેથી ઉપકારવૃત્તિને મેં રોકી રાખી. પૃથ્વીને નક્ષત્રી કર્યા પછી બાહુચાંચલ્યને રોકી રાખવું જેમ પરશુરામને કઠણ પડ્યું હતું, સૂર્યના કિરણ જણાયા પછી કૂકડેકૂક બોલવાની ઈચ્છા રોકી રાખવી જેમ મરઘાને કઠણ પડે છે, વેદધર્મની પુનઃસ્થાપના થયા પછી ઈક્ષુ, સુરા, સર્પિસ, દધિ તથા દુગ્ધના સમુદ્રોનું પાન સર્વત્ર પ્રચલિત થતાં જલપાનની તૃષા બંધ થઈ જવાથી નિરર્થક થયેલી નદીઓને પોતાનો પ્રવાહ રોકી રાખવો જેમ કઠણ પડશે; તેમ આ ઉપકારવૃત્તિ રોકી રાખવી મને કઠણ પડી. તે છતાં આટલી આપત્તિમાં એટલું દુઃખ વધારે એમ સમજી મેં મૌન ધારણ કર્યું. ભોંયરાના મુખ આગળ બેસી રહેવું તો ઉચિત નહોતું જ; કેમકે જેમ બળદો વાઘની ગંધથી દૂર હઠતા છતાં તેમનું બળદપણું જતું નથી, જેમ વિદ્વાનો ભોજન અને વસ્ત્રની ગંધથી દૂર હઠતા છતાં તેમનું વિદ્વત્ત્વ ઓછું થતું નથી, તેમ શૂરવીરો ભયની ગંધથી દૂર હઠતાં છતાં તેમનું શૂરવીરત્વ બંધ પડતું નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. હાથી જેમ અનેક કાંટાવાળા વેલાઓ પગે ઘસડતો ચાલ્યો જાય તેમ અનેક ક્લેશકર સ્મૃતિઓ પછાડી ઘસડાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. ક્યાં જવું તે નક્કી નહોતું, પણ ગરુડ પર બેઠેલા વિષ્ણુએ ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? ભૂખ્યા થયેલા ભિખારીને ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? નાદ કરતા જાતિબંધુઓની વચ્ચે પૂંછડી નીચી કરી સંકોચાઈ ગયેલા કૂતરાને ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? દેવ, મનુષ્ય અને પશુ સર્વને ગતિની આ અનિશ્ચિતતા છે, તેથી ગભરાયા વિના હું નાકની દાંડીની દિશામાં ચાલ્યો. કોઈ મળે તો સારું કે ન મળે તો સારું તે મનમાં પૂરેપૂરું નક્કી કર્યું નહોતું, તેથી નયનો વડે આસપાસ દૃષ્ટિ કરવામાં ઉદાસીન થઈ નયનને સીધી દિશામાં જ વ્યાપૃત કર્યાં.