પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વાતની સત્યતા મને આ સમયે સમજાઈ. ગુપ્તતાનું માહાત્મ્ય લક્ષમાં રાખી મેં માત્ર મુખાકૃતિથી મારી જિજ્ઞાસાનું આધિક્ય દર્શાવ્યું. ભેદ કંઈ પામી ગયો હોય તેમ તેણે ઉત્તર દીધો,

"ભોંયરુ તો કહેવાય છે, પણ મંદિર તો દેઠું હોય તે જાણે, તમે કહીંથી આવ્યા?"

શાસ્ત્રીઓની સભામાં પ્રતિસ્પર્ધીઓના કઠિન પ્રશ્નના ઉત્તર દેતા હું કોઈ દિવસ ગૂંચવાયો નથી, પરંતુ આ પ્રશ્ને મને વિશેષ વિષમતામાં નાખ્યો. "ભોંયરામાંથી આવ્યો" એમ કહેવાની ઈચ્છા નહોતી અને બીજે કંઈથી આવ્યો એમ કહેવું સત્ય નહોતું; તેથી કેટલોક વિચાર કરી ડોકું ફેરવી દિશા દેખાડી કહ્યું કે, "આમથી આવ્યો."

'આ ઉત્તરથી પૃચ્છકને સંતોષ થયો હશે કે નહિ એ શંકાથી મારા ચિત્તમાં થતી વ્યથા દૂર કરવા મેં તળાવના પાણી વિશે વાત કહાડી અને તે એકલાં ઢોર જ પીએ છે કે માણસો પણ પીએ છે. માણસો અને ઢોર સાથે પીએ છે કે ભિન્ન ભિન્ન કાળે પીએ છે, રાત્રે માણસો પીવા આવે છે કે નહિ, ઇત્યાદિ પ્રશ્નો પૂછી તેને વાચાલતા ઉઘાડવાના પ્રયત્ન કર્યા. પણ, આ રીતે આ સ્થળ વિશે માહિતી મેળવવાના પ્રયત્ન સર્વ મિથ્યા ગયા. "પીવું હોય તે પીએ" એ ઉત્તર ઉપરાંત વધારે જ્ઞાન તે દર્શાવી શક્યો નહિ, ફરી એક વાર મેં પ્રયત્ન કર્યો અને કહ્યું,

"આ ઠેકાણું બહુ ઉજ્જડ દેખાય છે. રાત્રે-ચોર ભૂત ફરતાં હશે."

તેની મુખરેખા પર વિસ્મય ઉદ્ભૂત થયેલો જોવાની મારી આશા સફળ ન કરતાં કંઈ પણ ભય કે ચિંતાનાં ચિહ્ન વિના તે બોલ્યો,

"ચોર તો કંઈ ચોરવા જેવું હોય અને ખબર પડે તો આવે, આ ભણી ભૂતનું કોઈ કહેતું નથી, પણ આથમણી કોર કૂવા-કાંઠે પીપળો છે ત્યાં આગીઆ કીડા ઊડે છે તેથી જાણે દેવા કર્યા હોય એવું રાતે દેખાય છે, તેને ભૂતની દિવાળી કહે છે. અને ત્યાં જતાં લોક બીહે છે."

'ભૂતના અસ્તિત્વનું એક બીજું પ્રત્યક્ષ પ્રમાણ નષ્ટ થયું જાણી મારી નિરાશા વધી. પણ, "ભૂતની દિવાળી" એ પદ આર્યપક્ષને કેટલું ઉપયોગનું થઈ પડશે, એ પરથી ભૂતભાવના આર્યપ્રજામાં અનાદિકાળથી છે એમ સિદ્ધ કરવું કેવું સુગમ થઈ પડશે; "ભૂતની દિવાળી" નો ખરેખરો માર્મિક અર્થ શો છે તથા કેવા અધિકારી મહાત્માઓ જ જોઈ શકે છે એ વિશેનાં વ્યાખ્યાન આ સ્થળના સંબંધ વિના અમેરિકામાં કેવા વિસ્તારથી આપવામાં આવશે અને આકાશમાં દેહ વિના ફરતાં સત્ત્વોના આ આત્મિક વ્યાપારની શોધ કરવાનું કેવું મહોટું માન થિઓસૉફીની વ્યવસ્થાથી મને મળશે; આ સર્વ વિચારથી પ્રફુલ્લિત થઈ મેં પૂછ્યું:

"એ કૂવા અને ઝાડ પાસે બધાથી જઈ શકાય છે કે કંઈ સામર્થ્ય સાવધાનીની અપેક્ષા પ્રતીત થયેલી છે?"

સંભાષણ ચાલતં છતાં હજી સુધી તે ગ્રામ્ય પુરુષની દૃષ્ટિ મારી ભણી નહોતી. ઘણુંખરું તેનાં ઢોર ભણી હતી. પણ આ પ્રશ્ન સાંભળી મારું મૂલ્ય પણ તેના ધ્યાનમાં આવ્યું અને એકાએક મારા ભણી તેણે દ્રષ્ટિ કરી. પશુ પરથી મનુષ્ય પ્રતિ ક્રમણ થયું