પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પાપમય છે. કેમેકે આપણે તેમ કરતા નથી, માટે તેથી ઊલટું આર્યત્વ સ્થપિત કરવા સતત શિર પર પાઘડી રાખવાનો અને પાશ્ચાત્યો પેઠે સભ્યતાની ઈચ્છાથી નહિ પણ બેભાન થવાના ભયથી જ કહાડવી એવો નિશ્ચય કરી આ પ્રમાણે મેં વર્તન રાખ્યું છે. પ્રથમ તો ઊંઘમાં પણ પાઘડી માથે રાખવાનો વિચાર થયો હતો, પણ મારા અનુયાયીએ હું ઊંઘુ તે સમયે પાઘડી મારે માથે ઝાલી રાખવાની પોતાની અશક્તિ જણાવી તેથી વિચાર ફેરવવો પડ્યો; અને ઊંઘમાં ભાન રહેતું નથી એમ શાસ્ત્રમાં આપણા ઘરડાઓ કહી ગયાં છે તેથી એવી અવસ્થામાં પાઘડીનો વિયોગ અનુચિત નથી એમ ઠરાવ્યું. તેમ છતાં મારી પાઘડી આ રીતે શયન અને નિદ્રાથી ઇતર કારણથી પડી ગઈ તેથી મારા આર્યત્વને આજે હાનિ થયેલી સમજું છું અને તે માટે ક્ષમા કરવી કઠણ છે. જે સુધારાવાળાઓ મારા સરખાં આર્યોચિત કારણ વિના શરીરસુખ અથવા રુચિના હેતુથી પાઘડીનો વિયોગ કરે છે અને ટોપી આદિ શોક્યોના સાલથી દુઃખિત થયેલી તેમની પાઘડીઓ મારે ઘેર આવી પોક મૂકી મારા કોમળ હૃદયને કેવું વ્યથિત કરી નાખે છે તે ધ્યાનમાં લેતા નથી તેમને હું ક્ષમા કરી શકતો નથી અને "ઋષિઓ પાઘડીઓ નહોતા પહેરતા, કેટલીક પાઘડીઓ મુસલમાનોના પહેરવેશ પરથી લીધેલી છે, પાઘડી કેવી પહેરવી એ વિષે શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી અને પ્રકૃતિમાં તેના નિયમ જણાવેલા નથી, પ્રત્યેક ગામ અને પ્રત્યેક નાતનાં મનુષ્યોના માથાંની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ અને તાળવાનું ઘટપણું લક્ષમાં લઈ પાઘડીઓના આકાર અને ભાર સૃષ્ટિના આરંભથી નક્કી થયેલા છે તથા તેમાં ફેરફાર કર્યાથી માથું વશ નથી રહેતું એ વાત ખોટી છે." એવી એવી રૂઢિભક્તોનું કાળજું છટકાવી નાખનારી દલીલો આપનારા એ વેદવિરોધીઓને ક્ષમા કરવાની કલ્પના પણ હું સહન કરી શકતો નથી. શિર અને શિર પર ભારરૂપ થવાને વિધિએ સર્જેલી પાઘડી વચ્ચેનો સંબંધ ન સ્વીકારનારા આપણા પૂર્વજો માથે ઘંટીના પડ મૂકતા તેનો પુરાવો હાલની પણ કેટલીક પાઘડીઓના આકારથી મળે છે. માટે પ્રાચીન રીતિની પુનઃસ્થાપના કરવા સારુ પાઘડીઓ વધારે હલકી નહિ પણ ભારે કરવી જોઈએ એમ ન માનનારા અને 'છૂટ' શબ્દ આર્ય પ્રજાએ કદી સાંભળવો જ ન જોઈએ એ ભૂલી જઈ માથે પહેરવામાં ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે છૂટ માગનારા-એ આર્યશત્રુઓને પાઘડીઓના વિયોગ માટે ક્ષમા કરવી એમાં હું સનાતન ધર્મનું ઉલ્લંઘન સમજું છું. તો પછી એક આર્યપક્ષવાદથી જ મારા આર્યત્વની હાનિ થાય તે માટે પ્રમાણભાવ છતાં ક્ષમા હું કયા શાસ્ત્રાધારે કરું? હું શાસ્ત્રાધાર વિના પાણી પીતો નથી. ઘરડાઓ શાસ્ત્રમાં કહી ગયા છે કે તરસ લાગે ત્યારે પાણી પીવું તે માટે જ હું જલપાન કરું છું. શરીરને અને ગળાને પાણીની આવશ્યકતા છે એવા સુધારાવાળાના અનાર્ય તર્ક હું લેશમાત્ર માનતો નથી.'

ભદ્રંભદ્ર બોલી રહ્યાં છે એવી ખાતરી કરવા એક ક્ષણવાર વાટ જોઈ વલ્લભરામ બોલ્યો, 'એ જ આર્યત્વ છે, એ જ આર્યત્વનું ભૂષણ છે. શાસ્ત્રાધાર વિના ડગલું પણ કેમ ભરાય? આર્યપક્ષવાદીએ તો પાપ કરવાની ઈચ્છા થાય ત્યારે પણ પાપ શાસ્ત્રને આધારે કરવાં જોઈએ. એવા આધાર ન મળે તેમ નથી. પાઘડીપ્રતિષ્ઠા વિષે જે