પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહો છો તે અક્ષરશ: સત્ય છે અને આર્યત્વમાં કેવી ઝીણી ઝીણી બાબતોમાં ઊતરવાની ખૂબીદાર શક્તિ છે તે આથી સિદ્ધ થાય છે. હું તો કહું છું કે હજામ પાસે નખ લેવડાવવામાં પણ આર્યત્વ છે. બીજી પ્રજાઓમાં એવો રિવાજ ન હોય તો આર્યપ્રજા તેમ શાસ્ત્રાધાર વિના કરે નહિ, કરી શકે નહિ, કરી શકે એમ ઘટે નહિ. પણ આમ પાઘડી પડી ગઈ તેમાં આર્યત્વને હાનિ થઈ સમજો છો એ ભૂલ છે. બેભાન થવાને સમયે તો પાઘડી કહાડવી જ જોઈએ કે તે રગદોળાઈ તેનું સનાતન આર્યધર્મ વિરુદ્ધ અપમાન ન થાય એ આપનો પણ નિશ્ચય છે, તો ત્રવડીએ તમાચો માર્યો તે પછી આપ બેભાન થયેલા ગણાઓ, કેમ કે માર ખાઈને સર્વ કોઈ બેભાન થાય છે એમ અંગિરસસ્મૃતિમાં લખ્યું છે અને વળી આપના આર્યત્વની હાનિ કરવાની તે કોનામાં તાકાત હોય! શું રાવણ રામચંદ્રને ગભરાવીને, રડાવીને અને હંફાવીને પણ તેમના અવતારસ્વરૂપને હાનિ કરી શક્યો હતો? શું પાર્વતીના સ્નાન સમયે શિવને ઘરમાં અટકાવવા ગણપતિએ તેમને "જટા સાહીને પાડી નાખ્યા અને ઢીંકાપાટુ ને ગડદા" લગાવ્યા તેથી શિવના મહાદેવત્વને હાનિ થઈ હતી? શું પાતાળમાં અહિરાવણના દ્વારપાળ મકરધ્વજે પોતાના પિતા હનુમાનને "બહુ ક્રોધથી મુષ્ટિકા હણી" તેથી હનુમાનના મુરુત્સુતત્વમાં હાનિ થયેલી કદી મનાઈ હતી? એવા પુરુષોની કુચેષ્ટા તો પ્રહાર સમયે પણ આપ જેવાના મહત્ત્વની અચલતા સાબિત કરવા માટે જ થાય છે, એ લોકોના લાતમુક્કા અભિનંદનીય થાય છે. આપ જેવાના સંબંધથી એ પામરજનો ધન્ય થાય છે. કહે છે કે ગોવર્ધન ઊંચકતાં શ્રીકૃષ્ણની ટચલી આંગળી એ પથ્થરની ધારથી છોલાઈ ત્યારથી તે પથ્થર શ્રીકૃષ્ણની સ્મૃતિમાં રહી જવાથી વિષ્ણુપદ પામી ગયો અને ત્યારથી ગોવર્ધન પર્વતમાંનો દરેક પથ્થર ખેદ કરે છે કે મારાં ધન્યભાગ એવાં કેમ નહિ કે હું શ્રીકૃષ્ણને ન વાગ્યો અને ગોવર્ધન પર્વત જાતે પણ ખેદ કરે છે કે મેં કેમ ભૂલ કરી કે હું તે વખતે શ્રી કૃષ્ણ પર તૂટી ન પડ્યો. મહપુરુષોને તો કચરી નાખવામાં પણ પુણ્ય છે. મહાપુરુષો ક્યાં છે? આપ તો પૂર્વજન્મના સુકર્મે અમને મળી ગયા છો.'

ભદ્રંભદ્રને કચરી નાખવાનો આ લોકોનો વિચાર જાણી મેં સભય આકૃતિએ ભદ્રંભદ્ર તરફ દ્રષ્ટિ કરી, પણ ભદ્રંભદ્ર તો પ્રસન્ન થઈ બોલ્યાં, 'એ તો યથાર્થ છે, પોતાને કૃતાર્થ કરવાનો એવો ત્રવાડીઓ આશય હોય તો તેમનો પ્રયાસ સ્તુતિપાત્ર છે અને હું ક્રોધાવિષ્ટ થયો માટે ક્ષમા માંગુ છું, પણ પ્રહાર જરા ધીમેથી કર્યો હોત તો ચાલત.'

વલ્લભરામ કહે, એમાં જ મૂર્ખતા થઈ એમ હું કહું છું. બાકી આશય વિશે તો સંશય મને છે જ નહિ.'

પોતાની પ્રમાણિકતા માટે સંશય થવાથી ખોટું લાગ્યું હોય એવી આકૃતિ કરી ત્રવાડીએ ભદ્રંભદ્ર તરફ જોઈ રહ્યું, 'મારા આશય વિશે શક લાવવો આપને ઘટે છે? આવો પ્રહાર કરવો એ જ આશય અને તે ધીમેથી કેમ થાય? अधिकप्याविकं फलम् એવો લોભ તો સર્વને હોય જ. પણ આપ જે વાર્તા કહો છો તે બંધ રાખો તો કેમ?'