પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોપડીઓ ખાઇ જવા અમે વંદા થયા છીએ...મૅજીસ્ટ્રેટ પોતાની ખુરશી નીચે શેતરંજી ખેંચીને ઓઢી અગાડી આવી બોલ્યા કે, 'મને વંદા અડકી શકે એમ નથી પણ બ્રાહ્મણો મહાદેવના મંદિરમાંના પોઠિયા ઉખાડી તેને પૈડાં કરાવી તે પર બેસી વંદાનો વેપાર કરવા જાય તો તેમને રોજી મળે ને ચોરીલૂંટ ન કરવી પડે અને કાયદાની ચોપડીઓ પોલીસચોકીમાં ભરી મૂકી હોય તોપણ વંદા તે ખાય જાય નહિ.'...આ પ્રમાણે સ્વપ્ન જોતાં હું થોડા કલાક ઊંઘ્યો....આખરે સ્વપ્નમાં મેં ભદ્રંભદ્રને ઊંચા કોટ પર બેઠેલા જોયા. ત્યાંથી ત્રવાડી અને વલ્લભરામે તેમને ધક્કો મારી નીચે નાખ્યા તે જોઈ પછાડીથી કોઈ સ્ત્રીએ ચીસ પાડી....તે સાંભળીને હું જાગી ઊઠ્યો.

ભદ્રંભદ્ર પણ તે જ વખતે જાગી ઊઠી પથારીમાં બેઠા થયા હતા. સ્વપ્ન ખસી ગયા પણ ચીસ સંભળાઈ એ વોશે મને ખાતરી રહી.

અમારા ઓરડા સિવાય બીજે બધે અંધારું હતું અને કઈ દિશામાંથી ચીસ આવી તે સમજાતું નહોતું. ઘર અજાણ્યું હતું અને ભદ્રંભદ્ર કહે, "પહેલી રાતે આપણને થયેલો અનુભવ આવે સ્થળે શોધ કરવામાં લાભ હોય એમ દર્શાવતો નથી. અનુભવને અનુસરવું એ નિયમ સપ્રમાણ છે."

તોપણ ચીસ સાંભળી હતી એ એવી કારમી હતી કે પાછા એમ ને એમ સૂઈ જવાનો મારાથી નિશ્ચય થઈ શક્યો નહિ. વળી એકંદરે અમારી સલામતીનો વિચાર કરતાં ભદ્રંભદ્રને પણ સ્થિર રહેવું આખરે દુરસ્ત જણાયું નહિ. તેથી દીવો લઈ અમે તપાસ કરવા નીકળ્યા. 'સૂર્યચંદ્ર અંધકારની શોધમાં આખી પૃથ્વી આસપાસ ફરી વળે છે,' તે સુધારાવાળાની શોધમાં ભમતા આપણા આર્યપક્ષના સમર્થકોએ ઉપમા પામવા સારુ જ. એવું ભદ્રંભદ્રે પૂર્વે એક પ્રસંગે કહેલું એક વાક્ય યાદ આવ્યું. પણ સૂર્યચંદ્રને એવા ઉપમાન ઘડી ઘડી મળે તે માટે જ આવી શોધમાં નીકળવાની જરૂર છે કે કેમ તે આ વખતે મેં પૂછ્યું નહિ. કેમ કે ભદ્રંભદ્રની મુખરેખામાં આલંકારિક આવેશ જણાતો નહોતો અને ઉમેય-ઉપમાનને બદલે નાસનાર, પાછળ દોડનાર, માર ખાનાર - માર મારનારા એવા સંબંધ તેમના ચિત્ત સમક્ષ હોય એમ જણાતું હતું.

ચીસ સંભળાયા પછી બીજો કંઈ પણ અવાજ સંભળાયો નહોતો. પરંતુ શોધ કરવી વધારે મુશ્કેલ થઈ હતી અને અમારી બીકમાં કંઈ પણ ઘટાડો થયો નહોતો આગળ ધરેલા મારા હાથમાં દીવો હતો અને ભદ્રંભદ્ર દીવા પાછળનું અંધારું નહિ, પણ હાલની પાશ્ચાત પદ્ધતિના રીફ્લેક્ટર થઈ પાછળ આવતા હતા. અમારા સૂવાના ઓરડામાંથી નીકળી ઘરના પાછલા ભાગમાં જઈ એક ઓરડાનું બારણું જેવું મેં ઉઘાડ્યું તેવી એક સ્ત્રીને લોહીલુહાણ થઈ ભોંય પર પડેલી દીઠી. હું ચમક્યો અને ભયથી સ્તબ્ધ થઈ ઊભો. પણ ભદ્રંભદ્રે અગાડી ન આવતા પાછળ રહીને કરેલા આગ્રહથી હું આગળ ગયો. દીવો લઈ નીચા વળી જોતાં તે સ્ત્રીના ગળામાં ઊંડો ઘા થયેલો જણાયો, અરે તેનામાં પ્રાણ રહ્યા હોય એમ લાગ્યું નહિ.

આ દારુણ દેખાવથી અમે જડ થઈ ગયા અને થોડી વાર મૂંગા થઈ ઊભા રહ્યા.