પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને મૂર્તિઓને રજા નથી તે સરકાર કરે તેથી તેમની નાત ભ્રષ્ટ થાય છે અને નાત ગઈ ત્યાં ધર્માચરણનો સંભવ જ શી રીતે હોય? આકાશમાંએ દેવો અને દાનવોએ નાત પાડી છે અને તેમની પોતપોતાની તકરારમાં કોઈ વચ્ચે પડતું નથી તેમનો ધર્મ સચવાય છે.

અધિપતિઓના આ લખાણથી એટલો બધો ખળભળાટ થઈ રહ્યો કે ચારે તરફથી પોકાર થવા લાગ્યો કે સરકારને અરજી કરવી કે જે કોઈ કાયદાનો અર્થ એવો થતો હોય કે હિન્દુઓના ધર્મની અને સંસારવ્યવહારની બાબતોમાં કોઈ પણ સરકારી અમલદાર કે કોર્ટ વચ્ચે પડી શકે તે તમામ રદ કરવા. નાતમાં ખાવુંપીવું અને નાત સાથે ખાઈ-પી શકાય માટે નાતમાં રહેવું; એમાં જ હિંદુધર્મનો સાર આવી રહ્યો છે અને તેટલું સચવાય તો હિંદુઓને એમ ને એમ સ્વર્ગ મળી જાય છે; માટે નાત ખાતર તેઓ ધનની કે પ્રાણની પણ દરકાર કરતા નથી, તો સુખ કે સત્ય સરખી હલકી વાતોની તો શાની જ દરકાર કરે? આ કારણથી, ચોરીથી ખૂન સુધીના ગમે તે ગુનામાં જ્યાં નાતનો કાંઈ પણ સંબંધ જણાય કે કહેવાય ત્યાં સરકારે તરત તે કામ પડતું મૂકી નાતોને તેની ભાંજગડ કરવા દેવી જોઈએ. તે વિના હિંદુઓનો ધર્મ સચવાવાનો નથી. નાતોને આ પ્રમાણે છૂટ આપવામાં આવે તો હિંદુઓના ધર્મ માટે જીવ અને સર્વસ્વનો ત્યાગ કરનારા થયા નથી એમ જે કહેવામાં આવે છે તે અપવાદ સહજ દૂર થઈ જાય. નાતરૂપી ધર્મ ખાતર અનેકનાં ઘર બળે તથા અનેકનાં માથાં ફૂટે અને તે રીતે ધર્મવીરત્વ સિદ્ધ થાય.

આ ચર્ચાનું મહત્વ એટલું બધું વધ્યું કે સંયોગીરાજને ત્યાં ભરાતા મંડળમાં પણ રમતો દરમિયાનની ’થુઈ’ને વખતે આ બાબતમાં શા ઉપાય લેવા તેનો વિચાર થવા લાગ્યો. માધવબાગ જેવી મોટી સભા મેળવી તેનો યશ સંયોગીરાજને અપાવવાની તેમના પાર્શ્વચરોને ઘણી વાંછના હતી અને સંયોગીરાજને પોતાને એ યશ લેવાને ઘણી આકાંક્ષા હતી, એ યશને હું લાયક છું એમ તેઓ પોતે જ કહેતા હતા, તેથી પાર્શ્વચરોને એ બાબતમાં અતિશયોક્તિ કરવાની જરૂર પડતી નહોતી.

ભદ્રંભદ્ર પણ એ સભા અને એ યશની સામગ્રી કરવામાં સહાયભૂત હતા. તેમનો પોતાનો કોર્ટ આગળના કામમાં સંબંધ હોવાથી સભામાં આગળ પડી તેમના પોતાનાથી યશ લેવાય એમ હતું નહિ તેથી તેમને ઈર્ષ્યા કરવાનું કારણ નહોતું. વળી ગધેડા સાથે મજૂરીમાં સામિલ થવાથી ઘોડાને પણ જેમ કુંભારને માન આપવું પડે છે, તેમ બીજા પાર્શ્વચરોની પેઠે ભદ્રંભદ્રને પણ સંયોગીરાજ પ્રતિ પૂજ્ય ભાવ દર્શાવવો પડતો હતો અને તેમની નાયકપદવી કબૂલ રાખવી પડતી હતી. આવી અવસ્થામાં અગવડ ઘણી હતી, પરંતુ કોર્ટખર્ચ માટે સંયોગીરાજની સહાયતા આવશ્યક હતી અને પોતાનું નાયકત્વ પ્રથમ સ્પષ્ટ રીતે સ્વીકારે તેને જ તેઓ આશ્રય આપી શકે છે એ શરત ખુલ્લી રીતે જાહેર કરવામાં આવતી હતી. તેમ વળી પ્રસન્નમનશંકર પેઠે સંયોગીરાજ વિદ્વત્તાનો દાવો લેશમાત્ર પણ કરતા નહોતા અને ગામઠી નિશાળના મહેતાજીથી માંડીને શાસ્ત્રીઓ અને પંડિતો સુધી સર્વ કોઈના પ્રમાણને નમતા હતા,