પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવે છે, વાયુમય પાંદડાં ખાધાથી વૃક્ષને પાંદડાં આવે છે, વાયુમય ફળ ખાધાથી વૃક્ષને ફળ આવે છે.'

'સુધારાવાળા કહે છે કે વૃક્ષો વાયુમાંથી કેટલાક 'ગેસ' લે છે પણ માટીમાંથી અને પાણીમાંથી વૃક્ષોને ઘણુંખરું સત્ત્વ મળે છે.'

'એ સર્વ કપોળકલ્પના. માટીમાં કે પાણીમાં ક્યાં થડ, અંકુર, પાંદડાં કે ફળ હોય છે ? 'ગેસ'ની વાત આર્યશાસ્ત્રોમાં નથી માટે અસત્ય છે. વાયુમય વૃક્ષ એ જ વૃક્ષોનો ખોરાક છે. સુધારાવાળાને એ આર્યશાસ્ત્ર રહસ્યની ક્યાંથી માહિતી હોય ? એ રહસ્ય હમણાં જ અમેરિકામાં થિઓસોફિસ્ટોએ શોધી કહાડ્યું, અને એમ પણ શોધી કહાડ્યું છે કે એ રહસ્ય આપણા ઋષિમુનિઓના જાણવામાં હતું.'

'ત્યારે ઋષિમુનિઓ પણ વાયુમય મનુષ્યનો ભક્ષ કરી જીવતા હશે ?'

'એ વાત હજી અમેરિકાથી આવી નથી. પણ, ભક્ષ કરતા હશે તો ગમે તેવા વાયુમય મનુષ્યનો નહિ, પણ વાયુમય ઋષિમુનિઓનો જ ભક્ષ કરતા હશે.'

'પણ એમાં મનુષ્યભક્ષણનો દોષ રહે છે,'

'ઋષિમુનિઓ વિષે દોષની શંકા કરવી નહિ. એ તો જેનો ભક્ષ કરતા તેને પાછો સજીવન કરતા હતા.'

'ત્યારે તો પાછા ભૂખ્યા ને ભૂખ્યા રહેતા હશે ?'

'અમ્બારામ ! તું આ કારાગૃહમાં આવી નાસ્તિક થયો જણાય છે.'

'મહારાજ ! આપ જેવા સદ્ગુરુની સંગતિથી મારી શ્રદ્ધા અચલ રહો. મારા સુભાગ્યે જ આપ આ કારાગૃહમાં સાથે આવ્યા છો. પરંતુ, શંકાનું સમાધાન કરાવવું એ શિષ્યનો અધિકાર છે.'

પ્રશ્નમાં ઘણું ઊંડું શાસ્ત્રરહસ્ય સમાયેલું છે અને તેના ઉચ્ચારણ માટે આ સ્થળ અધિકારી નથી. શાસ્ત્રશ્રવણ સારુ જેમ મનુષ્યોમાં અધિકારી મંડળ હોય છે તેમ સ્થળોમાં પણ હોય છે.'

ભોજનવેળા થતાં અમારું કામ બંધ થયું. કારાગૃહમાંથી નીકળી પ્રાયશ્ચિત્ત કરવાનો નિશ્ચય હતો તેથી ક્ષુધા તૃપ્ત કરતાં અમારે સંકોચ રાખવાનું કોઈ કારણ નહોતું. માગ્યા છતાં વિશેષ મળતું નથી એ નિયમ જાણી અમે ખિન્ન થયા. જ્ઞાતિભોજનની આર્યરીત પ્રમાણે કેદીભોજન થવું જોઈએ એ સિદ્ધાંત મને ભદ્રંભદ્ર સમજાવતા હતા એવામાં એક કેદી આવીને ભદ્રંભદ્રના રોટલામાંથી અડધો કકડો લઈ ગયો અને ઝટ ખાઈ ગયો.

ભદ્રંભદ્રે ફરિયાદના પુકાર કર્યા તેથી તેમને પ્રહાર મળ્યો, ગયેલો રોટલો ન મળ્યો. કેદીઓએ સાક્ષી પૂરી કે રોટલો કોઈએ લઈ લીધો જ નથી.

જેલર સાહેબ આવી પહોંચ્યા. તેમને ભદ્રંભદ્રે કહ્યું, 'આ લોકો ચોર છે.'

'એ તો એ લોકો અહીં આવ્યા ત્યારનો જ હું જાણું છું. પણ તું તોફાની માણસ છે. હવે તું તોફાન કરીશ તો હું તને સજા કરીશ.'

એવામાં કેટલેક આઘે એક પઠાણ કેદીએ પાસે ઊભેલા સિપાઈને એકાએક જોરથી તમાચો માર્યો. જેલર સાહેબ તે તરફ દોડી પહોંચ્યા. કેદીને સિપાઈએ બાંધી