પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે કે નહિ એમ વિચારનારા શૂદ્ર ભિખારીઓ શાસ્ત્રાજ્ઞા નથી જાણતા, તેથી જ ઘણી વાર ભૂખ્યા પડી રહે છે. લાભાલાભની પરિક્ષા કરવાની અગત્ય જ નથી. તેથી રૂઢિદેવીને અનુસરવામાં આંખો મીંચી ઘસડાયા જવું એમ આપણા પૂર્વજો કહી ગયા છે.'

પ્રસન્નમનશંકર કહે, 'ધનથી ઇતર લાભાલાભસ્ય ઉપરિ દૃષ્ટિ કરવાનું શાસ્ત્રેષુ વિહિત નથી અને ધનવ્યવહારમાં આપ વદો છો તેમ આંખો બંધિત રાખવાનું આવશ્યકતાનું છે. એવ. તસ્માત્ હમણાં રૂઢિની વ્યાખ્યા પ્રસિદ્ધ કરવામાં બાધ નથી પણ કોઈ ભૂલ શોધી કહાડી અસ્માકં દોષ ન દર્શાવે માટે એવે યુક્તિ ક્રિયતામ્ કે એક વ્યાખ્યા વર્તમાનપત્રેષુ મુદ્રિત કરવો કે 'કશ્ચિત્ એકદા અજ્ઞાન, પણ અધુના સુબુદ્ધિ સુધારાવાળો આર્યપક્ષમાં ભળી રૂઢિની આવી વ્યાખ્યા આપે છે. તેમાંની સકળ અપૂર્ણતા લખી મોકલનારને આટલું પારિતોષિક આપવામાં આવશે. જે ભાગ જેને સત્ય જણાય તેણે તેટલું પણ જણાવવું' એથી સર્વેષાં મત આવી મળવાથી તેની સહાયતા વડે આપને નિશ્ચિંતપણે અસ્માકં વ્યાખ્યા રચીશું'

આ યુક્તિથી સર્વ પ્રસન્ન થયા. વ્યાખ્યા સુધારાવાળાના નહિ પણ આર્યપક્ષના દ્રષ્ટિબિંદુ, ઘડવાની હતી તેથી ઝાઝી હરકત પડી નહિ, મંત્રણા કરતાં અંતે નીચેની વ્યાખ્યા પત્રોમાં છપાવવાનું ઠર્યું:

"રૂઢિ તે આર્ય સમય સમય અને સ્થાન સ્થાનની ભિન્નતાને અનુસરી અને સનાતન શાસ્ત્રોનું વેદધર્માનુયાયી ઐક્ય જાળવી સર્વ દેશકાળને અનુકૂળ થયેલી, પણ એક અચળ ધ્રુવ રહેલી, લોકોને આચારવિચાર, ભોજન, પાન, ઇંગિત ચેષ્ટા, ગાયન, નૃત્ય, વાચન, લેખન, જ્રાંભણ, છિક્કાકરણ, પર્યટન, જનન, મરણ, વિવાહસ્ય, કરણ, નિરાકરણ, ભજન, પૂજન, દાયસ્ય, પ્રાપન, અપહરણ, સ્નાન, મુંડન, પરિધાન, આચ્છાદન, વચન, દર્શન, વેપન, ઘર્ઘરાયણ, શયન, જાગરણ, લંઘન, ભૂતગ્રસન, ધ્યાન, માર્જન, વ્યવહાર, વૈરાગ્ય એ સર્વમાં બિદ્ધિના ઉપયોગ વિના, ચક્ષુના ઉદ્ઘાટન વિના, શાસ્ત્ર નિરીક્ષણ વિના, વિવાદના પ્રયત્ન વિના, ગૌરવની ગણના વિના, અવમાનના ખેદ વિના, સુખની અપેક્ષા વિના, ઉન્નતિની ચિંતા વિના, વિરોધિતાના ભાન વિના, લાભના દર્શન વિના, સારાસારના વિવેક વિના, મૂઢ ભાવથી પૂજ્ય બુદ્ધિથી અને અકારણ ગર્વથી આર્યોને પ્રવર્તાવનાર, દિવ્ય, માનનીય શાસ્ત્રવિમુખ છતાં શાસ્ત્રરહસ્ય, ભૂત, ભક્તજનોના હસ્તપદ માટે લોહશૃંખલા અને કંટ માટે વધસ્તંભ ધારણ કરનાર દેવીરૂપ પ્રસિદ્ધ સંપ્રદાય, તે લતાપ્રહારથી પ્રવૃત્તિ કરાવે, મુખરોધનથી નિવૃત્ત કરાવે, મૂર્ખ દ્વારા સુવિચારનું હાસ્ય કરાવે, અંધ દ્વારા સુમાર્ગનો પ્રતિબંધ કરાવે, અનક્ષર વર્ગને મુખરિત કરે, વિદ્વદવર્ગને મૂક કરે, એવા એવા અનેક ચમત્કારથી આર્ય દેશના અપૂર્વ અંધકારમય દીપ થઈ રૂઢિ જગતને વિસ્મયથી ચકિત કરે છે. એનો પ્રભાવે એવો છે કે તેના સેવકો દુઃખ કરતાં તેના કોપથી વધારે ડરે છે; સુખ કરતાં તેના પ્રસાદ વધારે ઈચ્છે છે, ડહાપણ કરતાં તેનું અનુસરણ વધારે શ્રેયસ્કર ગણે છે, તેના સેવકો તેની ભક્તિમાં લીન થઈ રૂઢિશત્રુઓનાં સુખ સાધવાનો યત્ન વ્યર્થ કરી તેમની નિંદા, ઉપદ્રવ અને બહિષ્કારથી પીડે છે. અધોગતિને કલ્યાણ કહેવડાવનાર,