પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રાહ્મણ સારો તાત્પર્યાર્થ એ કે બ્રાહ્મણની ભિન્ન ભિન્ન જાતિઓમાં ગમે તેટલી સ્પર્ધા, છતાં તેઓ એકબીજાનું ખાતા નથી, એમાં જ બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ છે; જુદી જુદી નાતોવાળા એકબીજાનું ખાય તે કૂતરા જેવા છે."

આ રીતે જોડી કાઢેલા બધા નવા શ્લોક નરનારાયણ સ્મૃતિને નામે પ્રવર્તાવવા અને નારાયણે (શ્રી કૃષ્ણે) શ્રીમદ્ ભાગવદ્ગીતાના અગિયારમા અધ્યાયમાં નરને (અર્જુનને) બહુમુખ અને નેત્રવાળું અને ઘની દાઢોથી એવું ભયંકર પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે બગાસું ખાતાં ખાતાં શ્રી કૃષ્ણના મુખમાંથી આ સ્મૃતિ નીકળી ગઈ તે ઉચ્છવાસથી ઊડી ગયેલી પાછી હાથ લાગેલી છે એમ તેનું પ્રમાણ કરવું એમ નક્કી કર્યું.

૧0 : વંદાવધ

આ દેશસેવાના મહાકાર્યમાં ભદ્રંભદ્ર ગૂંથાયા હતા. એવામાં અમદાવાદથી ચોંકાવનારી ખબર આવી. અમે મુંબાઈમાં ધર્મચર્ચા અને શાસ્ત્રવિવાદમાં આનંદથી તલ્લીન થઇ દિવસ કહાડતા હતા. ત્યારે અમારા સ્વપ્નમાંએ નહોતું કે ઘેર આવો ખળભળાટ થઇ રહ્યો હશે. આ સૄષ્ટિની રચના જ એવી છે કે ભારે વિષમ ઊથલપાથલો આપણા અજાણમાં પરિણામ લગી આવી પહોંચે છે,એથી જ વિવર્તવાદમાં જ્ઞાન-અજ્ઞાનનો પારમાર્થિક અભેદ કહ્યો છે. હજી એક વર્ષ મુંબાઇ રહેવાનો ભદ્રંભદ્ર વિચાર કરતા હતા અને પ્રસન્નમનશંકરના દિવસે દિવસે મંદ થતા જતા આગ્રહ છતાં જુદું ઘર શોધવાની તજવીજ કરતા હતા કે જ્યાં તે પાછા પોતાના જ તેજથી પ્રકાશી શકે, અને ભક્તવૃંદના એકમાત્ર પૂજ્ય થઇ રહે. પણ એ તેજ ક્ષીણ થવાનું હશે, એ ભક્તિ શિથિલ થવાની હશે, એ સર્વે યોજના ધૂળમાં મળવાની હશે, તેથી એકાએક વિચાર બદલી નાખવો પડ્યો. ઘેરથી આવી ત્રાસદાયક ખબર આવ્યા પછી પણ વિદેશ રહેવું એનું શાસ્ત્રમાં પ્રમાણ નહોતું. ઘરવાળાં પણ એવાં કે છેક હાથથી બાજી ગઇ ત્યાં લગી કંઇ સમાચાર જ ન મોકલ્યા. પરગામ શું કામ ચિંતા કરાવવી એમ તેમણે ધાર્યું હશે, પણ એમ કરી ચિંતા હજારગણી વધારી. પ્રસન્નમનશંકરના જન્મદિવસે મિષ્ટાન્ન બનાવ્યાં હતાં.

ભોજન તૈયાર હતું. સર્વ સ્નાન કરી રહ્યા હતા. કુશલવપુશંકરની બે કલાકની સંધ્યાને મારા પેટમાંના કૉળ ખાઇ જવા કૂદતા હતા. મોદકનો પુંજ તેમના સંકલ્પને પણ ત્વરા કરાવતો હતો. એવામાં એકાએક ટપાલવાળો પત્ર લાવ્યો. ભદ્રંભદ્ર પર પચીસ પત્ર અમદાવાદના હતા. એકે પર 'શુભ છે' એવું લખ્યું નહોતું. એકેએક પર 'જલ્દી હાથોહાથ પહોંચે', 'ઉતાવળનો છે','જરૂરી' એવી અમંગલ સૂચનાઓ હતી. મ્લેચ્છાદિના સ્પર્શથી દૂષિત થયેલા પત્રોને એ માટે ખાસ જુદા કરી મૂકેલા ઠીકરાના કૂંડામાં પાણીમાં પા કલાક પલાળી રાખી, પા કલાક અગ્નિ પર ધરી પાવન કરી ભદ્રંભદ્રે હાથમાં લઇ તે ઊઘાડ્યા. વાંચવા માંડ્યું. પ્રથમ આતુર જણાયા.