પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંસા અટકાવવી નહિ; કેમ કે ચરબીને બદલે એટલું બધું ઘી વપરાય તો ઘી બહુ મોંઘું થઈ જાય અને લોકો બ્રાહ્મણને મિષ્ટાન્ન બહુ ઓછાં જમાડે. ભક્ષ યજ્ઞા, વગેરે માટે પશુ મારવામાં ધન-લાભ નથી તો તે હિંસા અટકાવવી જોઈએ.’

શાસ્ત્રનો એક અક્ષર વાંચ્યા વિના શાસ્ત્રજ્ઞ હોવાનો ડોળ રાખનાર એક મહારાજ બોલ્યા, ’કેટલાક સમજ્યા વિના કહે છે કે યજ્ઞમાં પશુ મારવાનું લખ્યું છે. પણ વેદમાં તો જ્યાં પશુ, અજ, છાગ, અશ્વ, ગૌ, વત્સ, નર, માંસ, મેદસ્‌, વપા, એ શબ્દ આવે ત્યાં તેનો અર્થ ચોખા જ કરવાનો છે; બહુ બહુ તો નારિયેળ કે કોપરાની ઘારી એવો અર્થ થાય. માખી ઉરાડી હોય તેને વાઘ માર્યો કહીએ છીએ એવી એ બધી લક્ષણા હશે. તે માટે પ્રમાણ આપણી ઇચ્છા છે અને વળી કોઈ કદી ખરાં પશુ મારતા હશે તો તે એવા તપસ્વી હતા કે પશુને મારીને ખાઈ ગયા પછી પાછું જીવતું કરે. શરીરના રજકણ શી રીતે પાછા એકઠા થતા હશે તે હાલ કલિયુગમાં નવાઈ લાગે, પણ, આગલા યુગની વાત જુદી હતી. એવા ચમત્કાર તો ઈશ્વર પણ કરી નથી દેખાડતા. ઈશ્વરને તો એવું કે જે એક વાર મરી ગયો તે મરી ગયો. મરી ગયેલો ફરીથી બેઠો થાય તે તો પશુ ખાનારા આગલા યુગના પુણ્યશાળી ઋષિઓ જ કરી શકતા. પણ આ યુગમાં હવે તેમ થાય નહિ. આ યુગમાં તો મ્હોંયે કહેવાનાં પ્રમાણ માટે શાસ્ત્ર જોવાય પણ આચરણ કરવાનું પ્રમાણ જોઈએ ત્યારે તો રૂઢિ જ. નહિ તો પછી અસલનો જ ચાલતો આવેલો સનાતન ધર્મ શાનો ? સનાતન તો રૂઢિ જ. રૂઢિ તોડનારને પ્રાયશ્ચિત્ત આપવું જ જોઈએ.'

એક પીનપુષ્ટ ભૂદેવે બેઠાં બેઠાં કહ્યું, ’નાત મળી છે, ત્યારે ઠરાવ કરોને કે દૂધપાકનું જમણ હોય ત્યારે પડિયા મહોટા જ આપવા. નહાના પડિયાથી કાંઈ દૂધપાક ઓછો વરતો નથી, પણ જમનારાને હરકત પડે છે અને ઘડી ઘડી માગવું પડે છે એટલું જ.’

એક મહારાજ છાપાંતિલક કરી, કચ્છો મારી અને ચોટલી છૂટી રાખી ઉઘાડા જ આવ્યા હતા. તે બોલ્યા, ’અરે દૂધપાકના નહાના પડિયા આપવા એ છેક શાસ્ત્રવિરુદ્ધ નથી, પણ છોકરાઓ સાહેબલોકશાહી બાબરાં રાખે છે અને શિખાબંધન નથી કરતા એ અધર્મ અટકાવો ને. વૈતરણીમાં ડૂબ્યા તે વખતે શિખા નહિ હોય તો તેને ખેંચી શી રીતે કહાડશે ? શિખાબંધન વિના કશો ધર્મ પળાય કે એકે પુણ્યકર્મ થાય એમ કલ્પનામાં પણ આવી શકે છે ? આપણા ઘરડાઓએ બહુ વિચાર કરી શિખાબંધનનો વિધિ કહ્યો છે. જુઓ, જેવી શિખાની ગાંઠ વાળે કે તેવી આંતરડામાં ગાંઠ પડે છે અને તેથી પ્રાણવાયુ ખેંચાય છે અને આગગાડીના ઇંજિન જેવી સિસોટી વાગે છે, તે ધર્મરાજની કચેરીમાં સંભળાય છે અને ત્યાં વિમાનનો એક ટાંકો સિવાય છે. બધા ટાંકા સિવાઈ રહે એટલાં શિખાબંધન કર્યા હોય તેને જ મરતી વખત વિમાન આવે છે. બીજા બધા રહી જાય છે. શિખાબંધન નહિ કરનારો કોઈ સ્વર્ગમાં ગયો સાંભળ્યો છે ? માટે બંદોબસ્ત કરો કે જે બાબરા રાખે તે સવા રૂપિયો દંડ આપે ને મૂછ મૂંડાવે. સુધારો તે ક્યાં લગી ! આપણા ઋષિઓ દાઢી રાખતા તે તો જાણે હવે