પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુકરણ કરવું એ જ સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણ છે. હવે વિશ્વસ્વભાવની સદૃશ ક્રિયા એનો નિર્ણય કરવો એ આપણા હાથમાં છે. માટે આપણને અનુકૂલ હોય તે સર્વ સદૃશ છે એમ સિદ્ધ કરી શકાય છે. વિધવાવિવાહ આપણા મતને અનુકૂલ નથી માટે તે સ્વાભાવિક વિશ્વનિયમથી વિરુદ્ધ છે. ઇતિ સિદ્ધમ્.

'વળી, સ્ત્રી અને પુરુષમાં પ્રકૃતિથી ભિન્નતા છે, તે છતાં પુરુષની પેઠે સ્ત્રી પણ ફરીથી લગ્ન કરે તો પછી સ્ત્રી ને પુરુષમાં ફેર શો ? સ્ત્રીનું સ્ત્રીત્વ ટળી પુરુષત્વ નહિ થાય ? શું પુરુષની સમાન થવાની ધૃષ્ટતા કરવા પ્રકૃતિએ સ્ત્રીને સૃજી છે ? શું પુરુષો કૃપા કરીને સ્ત્રીઓને એક વાર લગ્ન કરવા દે છે માટે સ્ત્રીઓએ પુરુષો પેઠે બીજી વાર લગ્ન કરવાથી માંગણી કરવી ? પુરુષો બળવાન છે અને પુરુષોની કૃપા થકી સંસારનું સુખ મળ્યું છે. પુરુષોની કૃપા ન હોત તો સાધ્વી થવું પડત, એ શું સ્ત્રીઓ ભૂલી જાય છે ? માટે વિધવા થયે સંસારસુખ અટકે ત્યારે ફરી તેવા સુખની ઇચ્છા સ્ત્રીએ કરવી જ ન જોઈએ. સંસાર મિથ્યા છે અને દુ:ખથી ભરેલો છે એવો ધાર્મિક ઉપદેશ આવે સમયે સાંત્વન માટે પુરુષોએ કરી રાખેલો છે, તે વિધવાઓએ ગ્રહણ કરવો અને પુરુષોનો ઉપકાર માનવો એ જ કર્તવ્ય છે. વિધવા થયા પછી ધર્મલાભ મળે એથી વધારે મહોટું સુખ શું હોય ? સંસારમાં રહેતાં એવી ધર્મપ્રાપ્તિ થાય નહિ. વૈરાગ્યના સર્વ પુણ્યનો વિધવાઓને અધિકાર આપ્યો છે. વળી પ્રેમની ઉચ્ચ ભાવના તે એ જ છે કે બુદ્ધિમાન પ્રાણીએ એક વાર જ લગ્ન કરવું. પુરુષો પોતે અનેક વાર લગ્ન કરી ઊતરતી ભાવના સ્વીકારવાનું માથે લઈ સ્ત્રીઓ પાસે માત્ર ઊંચી ભાવના જ પળાવે છે એ શું પુરુષોની ઓછી ઉદારતા છે ? એવો સ્વાર્થત્યાગ બીજા કોઈ દેશમાં જોવામાં આવ્યો છે ? સુધારાવાળા સમજ્યા વિના જ આપણને સ્વાર્થપરાયણ કહે છે. વળી, એ પણ ધ્યાનમાં લેવાનું છે કે સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળશે તો તેઓ પુનર્લગ્નની આશાથી પ્રથમ પતિઓને મારી નાખશે અને દેશમાં સર્વ પુરુષો પોતાના આયુષના રક્ષણ માટે વિધવાઓ સાથે લગ્ન કરવા ઇચ્છા કરશે અને કુમારિકાનાં લગ્નમાત્ર બંધ પડશે. આ સુધારાવાળાઓની યુક્તિ આપણે નથી સમજતા એમ નથી. એવા અનાચાર અટકાવવાને અમે આર્યો સજ્જ થઈ બેઠેલા છીએ. પુરુષોને ફરીથી લગ્નની છૂટ છતાં તેઓ સ્ત્રીને પ્રથમ મારી નાખતા નથી એ વાતથી અમે ભૂલમાં પડતા નથી, કેમકે પ્રકૃતિએ સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં ભિન્નતા રાખી છે. આ દેશની આર્યાઓને અમે ઉચ્ચ ભાવનાવાળી કહીએ છીએ. તેમને સુશીલ, નમ્ર, પતિભક્ત ગણીએ છીએ, પણ અમે એવા મૂર્ખ નથી કે તેઓ પતિના મૃત્યુની ઇચ્છા ન કરે એમ માનીએ. આ દેશમાં સ્ત્રીઓ ફરી લગ્ન કરી શકતી નથી માટે જ તેમની ઉચ્ચ ભાવના કહેલી છે. સ્ત્રી જીવતી છતાં અને મરી ગયા પછી ફરી લગ્ન કરવા છતાં પ્રેમની ઉચ્ચ ભાવના પુરુષો જાળવી રાખી શક્યા છે, એ ચમત્કાર આ દેશના પુરુષોથી જ થઈ શકે એવો છે. તે માટે જ અમારા પૂર્વજોએ વિધવાનાં પુનર્લગ્ન કદી થવા દીધાં નથી. ચારે વેદમાંથી ગમે તે મંત્ર લાવો; તેમાંથી એવો અર્થ હું કહાડી આપીશ કે વિધવાએ પુનર્લગ્ન ન કરવું જોઈએ. અર્થ કરવાનું અમારું ચાતુર્ય છતાં કદી કોઈ વચન દુરાગ્રહી જણાય તો એટલું