પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૯ રાગ ગરબી.


કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે,
મરી જાવું મેલીને ધનમાલ;
અંતકાળે સગું નહિ કોઈનું રે... ○ટેક

સંસ્કારે સંબંધી સર્વે મળ્યાં રે,
એ છે જૂઠી માયા કેરી જાલ... અંતકાળે○ ૧

મારું મારું કરીને ધન મેળવ્યું રે,
તેમાં તારું નથી તલભાર... અંતકાળે○ ૨

સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે,
તેને જાતાં ન લાગે વાર... અંતકાળે○ ૩

માટે સેવે તું સાચા સંતને રે,
તારા ટળશે ત્રિવિધના તાપ... અંતકાળે○ ૪

અતિ મોટાપુરુષને આશરે રે,
બળે પૂર્વ જનમનાં પાપ... અંતકાળે○ ૫

એવું સમજીને ભજ ભગવાનને રે,
સુખકારી સદા ઘનશ્યામ... અંતકાળે○ ૬

દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે,
મનવાંછિત પૂરણ કામ... અંતકાળે○ ૭



પદ ૯ રાગ ગરબી.

મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે,
તારા અંગમાં છે રોગ અસાધ્ય;
નથી લેતો નારાયણ નામને રે... ટેક

માથે જન્મમરણ મોટું દુઃખ છે રે,
તારા અંતરમાં હરિને આરાધ્ય... નથી ૧

ઘણું સૂઝે છે કામ સંસારનું રે,
કરે સગાંનું નિત્ય [બહુ] સનમાન... નથી ૨

હેત કરતો નથી હરિદાસમાં રે,
હૈયા ફૂટ્યા તું લૂણહરામ... નથી ૩

પરનારી સંગાથે કરી પ્રીતડી રે,
તારો એળે ગયો અવતાર... નથી ૪

બહુનામીની બીક નથી રાખતો રે,
ખરે ખાંતે મળીશ ખુવાર [તેમાં ખ્વાર] નથી ૫

અતિ કઠણ વેળા છે અંતકાળની રે,
પછી થાશે તને પસ્તાવ... નથી ૬

દેવાનંદની શિખામણ માનજે રે,
તારા અંતરમાં કરીને ઉછાવ... નથી ૭