પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વૈદ નહિ?

ભોળા૦-મુસલમાનના પેટાનો હોય કે જૂઠું બોલે. (પાછા મારે છે.) ઓ મારા બાપલા રે ! અરરર! ઓ મારા દાદા !ખોદાને માટે જવાદોરે! ઓરે ! મિયાંસાહેબ, હું વૈદછું,-જોસ્હીછું- ગાંધીછું-ગવંડરછું-હજામછું-કલેક્ટરછું-મોચીછું- કહોતે છું.

હરિ૦-મ્હોંથી કહો કે હું વૈદછઉં.

ભોળા૦-હા ભાઈ, હા હું વૈદછું. અશ્વિનકુમારનો અંશ ને અફલાતુનનો અવતાર.

કમા૦-તુમેરી એસીબાત સુનકર મ્હેં બોત ખુશ હુવા. તસ્દી તો હુઈ, મગર માફ કરિયો.

ભોળા૦-નહિ રે, ભાઈ, મને કંઈ તસ્દી નથી પડી; તસ્દી તો તમારા હાથને પડે. પણ હું વૈદ છું તેનો તમને ભરોસો છે?

કમા૦-મહારાજ, તુમતો દુનિયામાં એકી હો.

ભોળા૦-બીજો અક્કર્મી કહાંથી હોય?

હરિ૦-મહરાજ, તમે તો ભલભલા રોગ સારા કીધા છે.

ભોળા૦- હોય, ભાઈ. તું જાણે તે ખરું.

હરિ૦-મહારાજ. તમેતો એવાછો કે એક બૈરીને બાંધીને બાળવા લઈ ગયેલા તેને સારી કરેલી.

ભોળા૦-ઓત ત્હારીની.

હરિ૦-તમે તો એક છોકરાની ડોકી ભાંગીને આધી પડીતી તેને જતાં વારને સારૂં કીધુંતું.

કમા૦-જીભ બિગરકી એક ઓરતકું તુમને બોલતી કીઈ હૈ.

હરિ૦-મહારાજ, તુમારા તો ભાએગ ઉઘડ્યાં એમજ જાણો. અમારા શેઠ તમને જે માગશે તે આપશે.-

ભોળા૦-તમારો શેઠ તોકોણ જાણે કેવો હશે? તેને તો શિંગડાં છે ખરાં કેમ?

હરિ૦-વૈદરાજ, આખો દહાડોજ મજાક? શેઠ સુરતથી આજેજ આવ્યા છે. વૈદનું કામ પડ્યુંછ તેથી તમને તેડવા મોકલ્યાછ.

ભોળા૦-(મનમાં) અરે ત્હારીની. આતો કાંઈ આંધળે બહેરૂંજ કુટાયછે જો.

કમા૦-ઓ તો લખપતિ હૈ. તુમ મુખસે માગોગે ઓ સબ દેગા.

ભોળા૦-(મનમાં) ચલો ત્યારે બેઘડી મઝાછે, હેં? જે માંગુ તે આપશે?

હરિ૦-હા, એમાં તે કંઈ શક?

ભોળા૦-ત્યારે તો હું વૈદ છું એમાં પણ કાંઈ શક. હું ભૂલી ગયો તો, પણ હવે મને સાંભર્યું. વારૂ શો રોગ છે?

હરિ૦-શેઠાણીની જીભ બંધ થઈ ગઈ છે.

ભોળા૦-ગભરાઓ નહિં, મહારાજ ન્હરાજ લઈને ઉઘાડે ત્યારેજ ખરા. પણ રાખો હું મારી કોથળી લઈ આવું. કોથળી વિના વૈદને કે હજામને એક ઘડી ચાલે નહિ.