પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્હાડાસાતનો પા.

ભોળા૦-ઝુમખાશાહ, તમને તો એનો અભ્યાસ નહિ હોય?

ઝુમ૦-ના, મહારાજ. મને તો લખતાંએ નથી આવડતું. ધારણ તોળતાં આવડી એટલે અમે બધું શિખ્યા.

ભોળા૦-અરે ! ત્યારે તમને કોઈને અંગ્રેજી નથી આવડતું?

ઝુમ૦-ના.

ભોળા૦-ત્યારે સાંભળો. મ્હેં તેને અંગ્રેજીમાં આ પ્રશ્ન પુછ્યો.

ટિવંકલી ટિવંકલી લિટલી ઈસ્ટાર્,

હાઊ આઈ વોંડેર્ વ્હાટ્ યૂ આર્;
અપ્ એબોવ્ ધી વરલડ્ સો હાય,

લાઈક્ એ ડાયમોંડ ઈન ધી ઈસ્કાય.

આ પ્રશ્ન પુછ્યો કે દાકતર તો મારા સામુંજ જોઊ રહ્યોની. મને કહે કે, 'તમે તો અમ લોક જેવું શુધ અંગ્રેજી બોલોછો ! એ કોની પાસે શિખ્યા?' મ્હેં કહ્યું, કે સાહેબ અમે કાળા લોકને તમારા જેવું અંગ્રેજી તો કહાંથી બોલતાં આવડે? પણ ઠીક છે, કામ ચલાઊં, હવે સેઠ, એનો માએનો તમે સમજ્યા? એમાં એમ પૂછ્યું કે વાલની કેવી ખાશિયત છે? ચટાણી ગરમી કરે કે સરદી? માંદાને ક્યું શાક ખવડાવ્યું હોય તો અવગુણ નહિં કરે? વાયુના કેટલા પ્રકાર છે? એ ચાર સવાલ સાંભળતાંજ, સાહેબે તો પહોંચા કરડ્યાં ! પછી મને કહે કે,"બૈડરાજ, ટુમતો-બડા-ખબડદાર હો. તુમેરા જૈસા-મેને-ડુસરા-બૈ-બૈડ-કબુ-ડેખા નહિ હૈ. અમકુ-ટુમ લોક્કા-ખાનપાનકી-ખાશીએટકી-ક્યા ખબર?"

ઝુમ૦-ત્યારે ગધેડીનો ઓશડ કરવા શેનો આવ્યો તો?

ભોળા૦-એજ પુછવાનું છે તો. દાક્તર લોક હોંશિયાર હોય છે તેની હું ના નથી કહેતો, પણ આપણ લોકને તેની દવા માફક નહિ આવે. દાકતર નહિ આપણા ખાનપાન સમજે, કે નહિ આપણા શરીરની ખાશિયત જાણે. દાક્તરને એટલું જ પુછજોની, દુધી ચણાદાળનું શાક કેમ થાય છે? તરત કહેશે કે મને નથી માલમ. તારે સાળો ઓસડ સ્હું કરવાનો? બાપનું તોરડું ! પણ આપણા લોક એવા બેવકુફ છે કે હાથે કરીને તેની પાસે મરવાને જાય છે.

નથ્થુ૦- એ તો ખરૂં. દાકતર લોકો તો એવા નિર્દે હોયછે, કે પાંચ દશ દહાડા દવા કરે, ને સારૂ નહિ થાય, તો પલાષ્ટર મારીને ટપ મારી નાંખે.

ભોળા૦-પછી મ્હેંદાક્તરને કહ્યું, કે તમે અમારા ખાનપાનમાં નથી સમજતા તો ચાલ્યું, પણ પેટમાં દુખતું હોય ત્યારે નાડ કેમ ચાલે તે તો કહો. ત્યારે શો જવાબ દીધો જાણોછ કે? કહે કે "અમલોકકું-નારીકી-સમજ-નહિ."

નથ્થુ૦-હા, રે. પેટમાં ગોદા મારે. 'જીભ બટૌ, જીભ બટૌ' કરે, ને પછી હકીગત પુછે. પણ આપણા વૈદની પઠે નાડી પકડીને તમને આમ થયું છે, તેમ થયું છે- એવું તો કદી કહે નહિ .