પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢગલીઓ હારબંધ મૂકે છે તે ઉપર પૈસોને સોપારી મૂકે છે, અને ચાર ખૂણે મોટી ઢગલી પર નાળિયેર મૂકે છે.) વચમાં કળસ તો ભૂલી જ ગયા. એક અજવાળીને ચોખું પાણી ભરી કળસિયો લાવ તો. ઉપર લોટી પણ લેતો આવજે. (લાવે છ, તેને વચમાં મૂકી ઉપર ધોતિઊં હોરાડે છે.) એક આરતી ને અગરબત્તી, થોડું કપૂર. પરસાદને સારૂ કંઈ ફળ ફળોદ્રી, ને શેઠ દક્ષણા.

નથ્થુ૦- શું આપું?

ભોળા૦-યથાશક્તિ, પણ રૂપાનાણું જોઈએ. (પૂજન કરીને મોટો ઘાંટો કહાડી આરતી ઉતારે છે.) ચંદા, તું આમ સામી બેસ, એનું જનમ નામ ચંદાજછે કે બીજું?

ઝુમ૦- મહારાજ એજ.

ભોળા૦-ચંદા, આ ચપટી ચોખા તારા હાથમાં લે, ને આ વચલા કલશ સામું જોયા કર. (મંડળની આસપાસ એક પ્રદક્ષિણા કરી મંત્ર ભણતો હોય તેમ ચંદાના કાનમાં) હું તારા ભલામાં છઊં. તારો બાપ ઝખ મારેછ. (મોટેથી) છૂ ! (બીજી પ્રદક્ષિણા કરી) ગભરાતી નહિ, ચમકતી નહિ. હું તને આજે આનંદરાય સાથ મેળવું છું. (મોટેથી) છૂ ! છૂ ! (ત્રીજી પ્રદક્ષિણા કરી) આજે હમણા બ્રહ્મચારીને વેષે આવે છે. તું છાની રહેજે. ને હું કહું તેમ કરજે. (મોટેથી) છૂ ! છૂ ! છૂ !

હવે આ ચોખા પાટલાપર મેલ. શેઠ, હવે બ્રહ્મચારીબાવા આવે એટલી વાર.

ઝુમ૦-વૈદરાજ, એ હોંશિયારછે ખરા?

ભોળા૦-જેછે તે તમે જોશો. તમારી મરજી થઈ તો તેમ. મારેતો એની સાથે બે ઘડીનું ઓળખાણ છે, પણ એટલામાં મારી નજરમાં ઉતર્યા. સ્વભાવ શું ગંભીર છે જો. હું જેમ લવારો કર્યે જાઉંછું તેમ તે કરે એવા નથી. કોઈ મહા તપસ્વી છે. ઝાઝું તમારે એને પૂછ પૂછ નહિ કરવું. પૈસાને તો એ અડકતા જ નથી. પછી એમને કોઈની શી નિશબત.

હરિયો૦- આવ્યા વૈદરાજ, તમારું નામ દીધું ત્યારે કેમ કેમ કરતા આવ્યા. (આનંદરાય બ્રહ્મચારીને વેષે આવે છે.)

નથ્થુ૦- પધારો, મહારાજ. (પગે લાગે છે.)

ભોળા૦-બ્રહ્મચારી બાવા, બહુ કૃપા કીધી. જરા તમારૂં અહીંયા કામ પડ્યું છે.

આનંદ૦-અચ્છા!

ભોળા૦-(આનંદરાયના કાનમાં) બધો પાઠ બરાબર ગોખી મુક્યોછે કે?

આનંદ૦-બોલે બોલ.

ભોળા૦-તે એ ઝાઝું બોલવું નહિ, (મોટેથી) મહારાજ તે આ બાઈ.

આનંદ૦-(ચંદા તરફ જોઈને) અબલા, સબ અચ્છા હોયગા. ફિકર મત રખ.

ભોળા૦-મહારાજ, આ ચોખાછે તે તમે જુઓ.

આનંદ૦-વૈદરાજ, તુમ દેખો, મ્હેં બેઠા હું.

ભોળા૦-ના, ના, મહારાજ તમેજ જુઓ.