પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઇ નહીં.

એકજ ફટકો પડતાં રામબાઈ ભોંયપર પડી ગઈ અને બોલી ઉઠી “ અરેરે, જમાઈએ ઘાત કીધી.” એટલામાં તો વિષ્ણુજીએ બીજો પણ ફટકો લગાવી કાઢ્યો, એટલે રામબાઈ તેના કાલાવાલા કરવા લાગી. પણ તેણે પાછો હાથ ઉગામ્યો એટલે ત્યાં એકઠા થઈ ગયેલા આડોશી પાડોશીઓ દોડી આવી તેનો હાથ પકડી લીધો.

એ બેજ ફટકાએ રામબાઈને સીધી દોર કરી મૂકી, તેણે પોતાના ધણીની ક્ષમા માગી અને તે દિવસથી ધણીના હુકમ પ્રમાણે ચાલવા લાગી.

આવી રીતે બીરબલે રામબાઈને ઠેકાણે આણી એ વાત જ્યારે લોકોમાં ફેલાઈ ત્યારે બીરબલના જે વિરોધીઓએ એ તાગડો રચ્યો હતો તેમણે પણ બીરબલના ચાતુર્ય આગળ માથું નમાવી દઈ, તેનો વિરોધ કરવાનું પડતું મૂકયું.

વાર્તા ૨૦.

સત્તાવીસમાંથી નવ જતાં બાકી કંઈ નહીં.

એક દિવસે બાદશાહ સૌ કરતાં પહેલો આવી દરબારમાં બેઠો અને જે કોઈ દરબારી દરબારમાં દાખલ થતો તેને સવાલ પૂછતો કે “ સત્તાવીસમાંથી નવ જતાં શેષ શું રહે ? ” સૌ કોઈ ચટપટ જવાબ આપી દેતા કે "અઢાર.” આખરે બીરબલ આવ્યો એટલે તેને પણ એજ સવાલ પૂછાયો. બીરબલે એક પળ પણ વિચાર કર્યા વગર પાધરોજ ઉત્તર આપે “જહાંપનાહ શેષ કાંઈ ન રહે."