પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
દિલ્હીમાં કાગડા કેટલા ?

વાર્તા ૬૫.

દિલ્હીમાં કાગડા કેટલા?

એક દિવસ બાદશાહે પૂછયું “બીરબલ આપણા શહેરમાં કેટલા કાગડા વસ્તા હશે ?” બીરબલે તરતજ હાથ જોડી કહ્યું “ હઝૂર ! સાઠ હઝાર પાંચસે ને બાવન કાગડા આપણા દિલ્લી નગરમાં છે.

બાદશાહે કહ્યું “જો કદાચ ઓછા વધતા હોય તો ?” બીરબલ બોલ્યો “ જહાંપનાહ ! જો વધારે થાય તો જાણી લેવું કે એટલા કાગડા બહાર ગામથી પોતાના ભાઈબંધોને મળવા અત્રે આવ્યા છે અને જો ઓછા થાય તો સમજી લેવું કે એટલા પરદેશ ભાઈબંધોને મળવા ગયા છે.”

આ તર્કશક્તિ અને હાઝર જવાબી સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.

વાર્તા ૬૬.

સાકરનો હીરો.

એક દિવસ રાત્રિને સમયે બીરબલ વેષ બદલી નગર ચર્ચા જોવા નીકળ્યો હતો. રસ્તે જતાં તેણે કોઈનો રૂદન ધ્વનિ સાંભળ્યો. એ ધ્વનિ પાસેની પર્ણકુટીમાંથી સંભળાતો હતો. ત્યાં બીરબલ ગયો અને બારણું ખખડાવ્યું, એટલે એ ધ્વનિ બંધ થઈ ગયો અને થોડીવાર પછી એક સાઠ વર્ષની વયના ઘરડા ડોસાએ બારણું ઉઘાડયું. બીરબલે કહ્યું “ભાઈ ! હમણાં અહીંયાથી રડવાનો અવાજ સંભળાતો હોવાથી હું તે વિષે ખુલાસો મેળવવા અત્રે આવ્યો છું.”