પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
બીરબલ વિનોદ.

ફઝલ, નવાબ અબુલ ફૈઝી વિગેરે મહાન દરબારીયો છે, છતાં આપ બીરબલ ઉપર વધારે મહેરબાની રાખો છો, એની શી મતલબ ! એ અમારાથી નથી સમજાતું !!”

બાદશાહ તેની મતલબ સમજી ગયો હતો, તેણે કહ્યું આ બધા દરબારીયો મહાવિદ્વાન અને પંડિતો છે, છતાં બીરબલમાં હાજરજવાબી અને સમયસુચકતા વિશેષ છે. ” પછી બાદશાહે મનમાં વિચાર કર્યો કે “ આજે બીરબલની ચતુરાઈનો કોઈ અજબજ રીતે એમને સાક્ષાત્કાર કરાવું. ”

થોડીવારમાં બીરબલ તેમજ અન્ય મ્હોટા મ્હોટા દરબારીયો આવી પહોંચ્યા. થોડુંક સરકારી કામકાજ થયા પછી આમતેમની વાતો થવા લાગી. વાત પરથી વાત નીકળતાં બાદશાહે પોતાના હાથમાંની લાકડી વડે ઝમીન ઉપર એક લીટી દોરી અને બધા દરબારી તરફ ફરીને કહ્યું “આ લીટી છે એને હાથ લગાડયા વિનાજ એની મેળે ન્હાની થઈ જાય એવો કોઈ ઉપાય બતાવો.”

બધા વિચારમાં પડી ગયા કે હાથ લગાડ્યા વગર લીટી ન્હાની કેમ થાય !? થોડીવાર સુધી તેમને વિચાર કરી લેવા દઈ બાદશાહે પૂછયું “ કેમ, કોઈ ઉપાય સૂજે છે કે નહી ?"

બધાએ ના પાડી, એટલે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલે તરતજ તે લીટીની બાજુમાં તેનાથી મોટી લીટી દોરીને કહ્યું “ આ બેમાંથી ન્હાની લીટી કઈ?”

બધાએ કહ્યું “ બાદશાહ સલામતની લીટી ન્હાની થઈ ગઈ છે."