પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો ઉલટી પેટી બગડી જશે, માટે આવતી કાલે હું આવી પેટી જેની પાસે હશે તેની પાસેથી ચાવી લઇ આવીશ એમ તું કહેજે.' એટલામાં ઠઠામલ શેઠ દરબારમાં દાખલ થયો. બીરબલે તેને માન આપી પોતાની પાસે બેસાડી પા એક કલાક સુધી આડી અવળી વાતો કરી શેઠને ભારમાં નાખ્યા. બાદ બીરબલે નોકરને કહ્યું કે, 'આ પેટીની ચાવી મારી પાસેથી ગુમાઇ ગઇ છે, તેમાં શેઠના ખાનગી કાગળો છે, તે તેમને આપવાના છે, માટે લુહારને તેડી લાવ.' પટાવાળાએ કહ્યું કે, 'એમ કરવાથી તો નાજુક પેટી બગડી જશે. માટે આવતી કાલે હું તપાસ કરીશ. અને એના જેવી પેટી જેની પાસે હશે, તેની પસેથી ચાવી લઇ આવીશ.' બીરબલે પટાવાળાને કહ્યું કે, 'આજનો દીવસ ઢીલમાં નાખવાથી શેઠને પાંચ હજાર રૂપીઆનું નુકશાન થાય એમ છે.' બીરબલના આ શબ્દો સાંભળતાંજ શેઠે વીચાર કરીને કહ્યું કે, 'મને નુકસાન થાય એમ કરસો નહીં એના જેવીજ મારી પાસે પણ એક પેટી છે, તેની ચાવી આ પેટીને લાગુ થશે.' શેઠની આ વાત સાંભળી બીરબલે શેઠને કહ્યું કે, 'ઘણીજ સારી વાત થઈ, ચાવી આપો તો પેટી ઉઘાડી નાખીએ. શેઠે કહ્યું કે, 'ચાવીનો લુમખો ઘેર રહી ગયો છે તે હમણાં જઇને લઇ આવું.' બીરબલે કહ્યું કે, 'નાજી, તમને મહેનતમાં નખાય ? નોકરને નીશાની આપો, તો તે તરત લઇ આવશે.' શેઠે પટાવાળાને કહ્યું કે. 'મારે ઘેર જઇ શેઠાણીને કહેજે કે મારા કબાટના ખાનામાં ચાવીઓનો ઝુડો છે તે આપો.' એટલે પટાવાળો લેવા ચાલ્યો. તરત બીરબલ બહાર આવી પટાવાળાને કહ્યું કે, 'શેઠાણીને જઇને કહેજે કે, 'જે પેટીમાં તમે પચીસ મોતીનો હાર મુક્યો છે, તે ઘરાકને દેખાડવા માટે શેઠે મંગાવીઓ છે માટે આપો, તે આપે તે તું લઇ ગુપચુપ મને આપજે.' બીરબલની વાત ધ્યાનમાં રાખી પટાવાળો દોડતો શેઠાણી પાસે જઇને ચાવીના લુમખાની નીશાની આપી મોતીનો હાર માગીઓ. શેઠાણીએ તરત કાઢી દીધો તે લઇને પટાવાળાએ ગુપચુપ આવીને બીરબલને દીધો. બીરબલે તરત એક ઝવેરીને બોલાવીને તેની પાસે તે મોતી જેવડાં બીજા સો મોતી મંગાવીઆ, ઝવેરી મોતી લાવીઓ તે ભેગા ૨૫ મોતીના દાણા એક હારમાં પાંચ પાંચ મોતીને આંતરે એક એક મોતીનો દાણો પરોવીને, પઠાણને બોલાવી કહ્યું કે, 'આ હારમાં તમારા મોતી હોય તો ઓળખી કાઢો ? પઠાણે તે હાર પોતાના હાથમાં લઇને બહુ બારીકીથી તપાસીને પોતાના જે પચીસ દાણા હતા, તે દેખાડીને કહ્યું કે, 'આ દાણા મારા છે.' તે સાંભળી બીરબલે જાણ્યું કે દાણા તો પઠાણના ખરા. પણ હવે શાહુકાર શું કહે છે તેજ જોવાનું છે. બાદ બીરબલે મોતીના પચીશ દાણા લઇને પોતાની પાસે રાખીને પઠાણને કહ્યું કે, 'જે શાહુકાર કચેરીમાં બેઠા છે, તેની પાસે હું જાઊં છું ત્યાં આવી તમારે ફરીઆદ કરવી.' એમ કહી બીરબલ કચેરીમાં ગયો. આ બનાવ સંબંધી ઠઠામલ શેઠતો અણવાકેફ હતો. તેતો એમજ સમજતો હતો કે, પટાવાળો હજી ચાવી લઇને આવ્યો નથી. એટલામાં પઠાણે આવી ફરીઆદ કરી. તે સાંભળી બીરબલે પઠાણના મોતી માટે ઠઠામલ શેઠને પુછ્યું, પણ તે