પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જરાપણ ધડપણ હતું. તેના ઘડપણની વ્યાધીઓને મટાડનાર રસાયન રૂપ આમ્રપાક એક પ્રવીણ વૈદના હાથથી બનાવી તેનો વીધી યુક્ત સેવન કરાવવાથી મને ગર્ભ રહ્યો હતો.

બાઈના બોલવા પર તર્ક શક્તી દોડાવીને શાહ મન સાથે વીચારવા લાગ્યો કે જો આમ્રપાકના પ્રતાપથી આ બાઇને ગર્ભ રહ્યો હશે તો ખચીત તેના ધણીના વીર્યમાં આમ્રરસની કાંઈકપણ અસર રહેવીજ જોઇએ. અને તેના તે વીર્યથી પાકેલો જો આ છોકરો હશે તો તેની પરસેવામાં પણ તેની વાસ જરૂર હોવીજ જોઇએ. આ માટે વાગભટાદિક વીગેરે મુનીઓએ વેદ અને પુરાણના દાખલા દલીલો આપી સાબીત કરેલ છે કે બાપના વીર્યમાં અને માતાના રૂધીરમાં જે ગુણ દોષ પ્રકૃતિ રહેલી હોય છે તેજ તેનાથી પાકેલાં સંતાનોમાં જરૂર દાખલ થાય છે. આ તો સીદ્ધાંત છે કે આમ્રપાકથી ઉત્પન્ન થયેલ વીર્ય અને તે વીર્યથી પાકેલા સંતાનમાં તેની અસર કેમ ન થાય ?' આવો વિચાર કરી એક ચાકરને બોલાવીને કહ્યું કે, ' આ બાઈના છોકરાને સ્વચ્છ જળવડે નવરાવી સરસમાં સરસ ગરમ કપડાં પહેરાવી પરસેવો વળે તેવી રીતે ખુબ દોડાવી એકદમ મારી આગળ લાવો.' શાહનો આ હુકમ થતાંજ તરત દરબારી નોકરે તેજ પ્રમાણે હુકમ બજાવી પરસેવાથી તરબોલ થયેલા છોકરાને લાવી શાહ સન્મુખ ઊભો કીધો. તે જોઇ શાહે ખુદ પોતાને હાથે નવા રૂમાલવડે તેનો પરસેવો લુછી નાખીને તે રૂમાલ કચેરીમાં બીરાજમાન થએલા અમલદારોના હાથમાં આપી કહ્યું કે; 'આ રૂમાલમાં શાની સુગંધ આવે છે ? તે બરાબર તપાસીને કહો.' દરબારીઓએ બહુ બારીકીથી તે રૂમાલને તપાસી કહ્યું કે, ' હજુર ! આ રૂમાલમાં કેરીની સુગંધ આવે છે ?' દરબારીઓની આ વાત સાંભળીને શાહને ખાત્રી થઇ કે ખરેખર કેરી પાકના પ્રતાપથી, તેના પતીના સંગથીજ આ છોકરો જન્મેલો છે, એમાં જરા પણ અસત નથી. માટે બાઈ સાચી છે. પ્રતીવાદીઓ નાહક બીચારી બાઇને દોષીત ઠેરવી તેનો હીસ્સો હોયાં કરી જવા માટે આટલી બધી ખટપટ ઉઠાવી છે એમાં જરા પણ શક ?' આમ નકી કરી બાઇની માગણી પ્રમાણે ત્રીજો હીસ્સો તેજ વખતે આપવાનો હુકમ કીધો અને પ્રતીવાદીઓના અપરાધ બદલ શીક્ષા કરી.

સાર--ધર્મ નીતી, શાસ્ત્ર નીતી અને વહેવાર તર્ક શક્તીનો અનુભવ ધરાવનારજ ન્યાયાધીશ સત્યાસત્યનો તોલ કરી ન્યાય મેળવનારને સાચો ન્યાય આપી શકે છે ? પણ અગડમ બગડમ કરનાર અને કાળા અક્ષરને કુટી મારનારો શું આપશે ? કાંઈ નહીં. માટે ન્યાય મેળવનારે વીચાર કરીનેજ ન્યાયાધીશોની અદાલતમાં ન્યાય મેળવાવ જવું.

-૦-