પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ત્રીજી.
-૦:૦-


કરણી તેવી ભરણી.
-૦:૦-
દીલમાં કદી ડહાપણ જાય ડુલી, તકદીર આગળ તદબીર લુલી.

અકબરની દરબારમાં બીરબલ પણ એક બુધ્ધીવાન પુરૂષ હોવાથી બાદશાહ તેને બહુ ચાહતો હતો. બીરબલની સંમતીથી રાજકારોબારમાં ફેરફાર અને સુધારણા કરવામાં આવતી હોવાથી, તેથી મુસલમાન અમલદારો આગની પેઠે મનમાં બળી ખાક થઇ જતા હતા. બીરબલને તેને ઓદ્ધા પરથી હાંકી કાઢવા માટે અનેક પ્રપંચો રચ્યા પણ તે પાણીના પરપોટા જેવા લાગવાથી બહુ ખેદ પામ્યા. છતાં પણ હીંમત મુકી નહીં. 'હીંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવતને અનુસરીને પોતાનો પ્રયાસ ચાલુ રાખી મુસલમાન કારભારીઓએ ઠરાવ કીધો કે દુશ્મન અને રોગને ઉગતાજ છેદાય તો ઠીક. વધારે વખત ગુમાવવાથી સર્વ ઉપાય ફોકટ જવાના, અને બીજી જાતનો માણસ પોતાનો પક્ષ સબળ કરવા પોતાની જાતનાઓને જ્યાં ત્યાં ગોઠવી દઇ આપણી જાતનું કાસલ કાઢી નંખાવશે માટે તે પહેલાં તેનું કાસલ કાઢવું એ સમાન બીજો એકે ઉપાય સરસ નથી. પરંતુ તે યુક્તી શી રીતે રચવી? બાદશાહ પાસે બીરબલ વગર બીજો કોઇ વાત કરી શકતું નથી. ફક્ત એક ઈમામ નામનો હજામ નામદારની હજામત કરવા જાય છે તે વાત કરી શકે તેમ ગોઠવણ થઇ શકે એમ છે. આવો વીચાર કરી તે હજામને પોતા પાસે બોલાવી લાલચમાં નાખી સમજાવી લીધો અને સરવે હકીકતથી માહીતગાર કીધો. હજામ લોભી હતો પછી પુછવું શું? લોભને કંઇ થોભ છે, અને લોભે લક્ષણ જાય ? પૈસો જોઇ મુનીવરનું મન પણ ચળે, તો પછી એક અકલહીણ હજામ જેવા માણસનું કાળજુ કેમ ઠેકાણે રહે? આ ખટપટીઓનું કામ કરવાની તે હજામે હામ ભીડી હા પાડી. એક વખતે તે હજામ બાદશાહની હજામત કરવા ગયો. તે વખતે બીરબલની ઘેર હાજર જોઇ, તે તકનો લાભ લઇ બાદશાહને હાસ્યયુકત વાતોથી રીઝવીને કહ્યું કે, 'ખુદાવીંદ ! આજે આપની હજામત કરતાં મને વીચાર થયો કે આપના વડીલોની ઘણીજ નાજુક પ્રકૃતી હતી, કેમકે આવો હલકો અસ્તરો ફેરાવતાં છતાં પણ સહન થઇ શકતો નહીં, મેં તેમની બહુ વરસ સુધી સેવા બજાવી છે, અને તે દરમ્યાન કોઇ વખતે