પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ મારી પર રીસ કરી નહોતી. તેથી તે મને બહુ યાદ આવે છે, અને આપને પણ આવતા હશે. કેવી તાજુબીની વાત છે કે તેઓનો કશો સંદેશોજ નહીં. તેમ આપે પણ કશી ખબર મંગાવી નહીં.' બાદશાહે હસીને કહ્યું કે, 'અલ્યા અકલના બારદાન શું તું ગાંડો બન્યો છે કે ? અરે ! મુવેલા તેના સમાચાર શા. આપણી સાથે એનો સંબંધ કેવો ? જે સ્વર્ગમાં જાય છે તેના સમાચાર ભું લોકના માનવીઓ લાવી સકે છે ? કદી પણ નહીં. તેમ હલકારા મારફતે ચીઠી કે ખબર મોકલી શકાતી નથી.' હજામે કહ્યું કે, 'જહાંપના, એમ તે હોય? સ્વર્ગવાસીઓના સમાચાર મળી શકે તેમ છે પણ એ કામ તો બીરબલ જેવો જ બજાવી શકે એમ હું માનું છું. કારણ કે એક સમે આપનાજ વડીલોએ બીરબલને સ્વર્ગમાં પોતાના વડીલો અને મીત્રમંડળની ખબર કાઢવા મોકલ્યો હતો. તે વખતે ખરચ તો વધારે થયું હતું, પણ આપના વડીલોના ખબર લાવ્યો હતો. બીરબલને જ્યારે સ્વર્ગમાં મોકલ્યો ત્યારે સુગંધી તેલોથી સ્નાન કરાવી સ્મશાનમાં ચીતા ખડકી મોટી ધામધુમથી અને વાજાના મધુર અવાજ સાથે ચીતામાં સુવાડી સળગાવી દીધો હતો, અને તે ધુમાડાની મારફતે આકાશે ચઢી ગયો હતો. અહા ! શું એની પુણ્યાઇ અને ચાતુરીની વાત કહું ? એવું કામ તો તેનાથીજ થઇ શકે ? માટે ગરીબ પરવર ! ધર્મના કામમાં ઢીલ કેવી માટે ઉતાવળેથી બીરબલને મોકલી સમાચાર મંગાવ્યા.' હજામનું આવું ચમત્કૃતિ ભરેલું બોલવું સાંભળી બાદશાહે સત્ય માન્યું, મોટા લોકોને કાન હોય છે પણ શાન હોતી નથી તે મુજબ કશો વીચાર ન કરતાં બીરબલને બોલાવી વડીલોની ખબર લાવવાનો બાદશાહે હુકમ કીધો. આ હકીકત જાણી બીરબલ મનમાં સમજી જઇ મનમાંને મનમાં વીચાર કરવા લાગ્યો કે, 'મારૂં કાશલ કાઢવા માટે આ ઘાટ સામા પક્ષવાળાએ ઘડ્યો છે. પણ ચીંતા નહીં, હું ખરો કે તેઓનો ઘાટ ઘડી દુશ્મનોની છાતી એ શુળ સમાન થઇ મળપતો ફરૂં ? પણ આવી રીતે આ વાત ઠસાવનાર કોણ હશે ? તેને ઓળખવો જોઇએ. એવું ધારી રાજાને કહ્યું કે, 'નામવર, હું એક વખત તમારા વડીલોના હુકમને માન આપી સ્વર્ગમાં ગયો હતો, પણ આ છાની વાત કોઇની આગળ કોઈએ કરવી નહીં એવી તમારા વડીલોએ ધમકી આપી હતી. તેથી તેની આજ્ઞાનો ભંગ ન થાય તેવા હેતુથી આ વાત આપને મેં જણાવી નહોતી. તો પછી આ વાત આજે આપને કાને કેમ આવવા પામી ? તેથી મને મહા ખેદ થાય છે. જો આ વાત તમારા વડીલોની જાણમાં આવશે તો તમને શ્રાપ દેશે. બાદશાહે બનેલી હકીકતથી વાકેફ કરીને બીરબલને કહ્યું કે, બની તે બની હવે તેનો શોચ કરવો નકામો છે. માટે તું એકવાર જઇ ખબર લાવીશ ત્યારે સહુ ઠીક થઇ જશે ? બીરબલે કહ્યું કે, સ્વર્ગ લોકમાં જવું એ વાત માનવીને ખરેખરી દુઃખરૂપ છે પણ મંત્ર બળવડે કરીને તે કામ સફળ થાય છે. તે મંત્રની વીધી હું જાણું છું. આ મંત્રનો પ્રયોગ કરવા માટે માત્ર લાખો રૂપીઆની જરૂરછે તે મળ્યા બાદ અનુષ્ઠાન કરી આજથી છમાસની અંદર તમારા વડીલોના સમાચાર લઈ તમારી પાસે