પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાછો આવીશ. બાદશાહે બીરબલની સઘળી વાત કબુલ કરી. બીરબલ રૂપીઆ લઇ પોતાને ઘેર આવીને એવી યુક્તી રચી કે સ્મશાનથી તે અરધા કલાક સુધી કોઇના જાણવા કે જોવામાં ન આવી શકે તેવી રીતે એક ભોંયરૂં બનાવ્યું અને તેની અંદર એવી જાતનું યંત્ર ગોઠવ્યું કે જેની ઉપર પગ મુકતાં નીચે ઉતરી જઇ બીજે રસ્તે ચાલ્યું જવાય, તેવી પ્રકારની ગોઠવણ કરી બાદશાહને વીદીત કરાયું કે કાલ રાતના મારૂં અનુષ્ઠાન પુરૂં થાય છે માટે ચીતા ખડકાવી જે તૈયારી કરવી છે તે કરી લેવી. બીરબલનું કહેવું સાંભળી બાદશાહે હજામના કહેવા મુજબ, ચીતા અને સર્વ સામગ્રી સજ કરાવી એટલે બીરબલ તેમાં બેઠો. અને જોવાને ઉલટેલી મેદનીની સમક્ષ સળગાવી દેવાનું કહ્યું તેથી આગ ચીતાની ચોમેર મુકી, ગુલાલ અબીલ ધુપ તથા ચીતાના ધુમાડામાં બીરબલે કરી રાખેલા સંકેત મુજબ પસાર થઇ કોઇ ન જાણી શકે તેવી જગામાં જઈ નીવાસ કીધો. આથી સર્વ કોઇએ જાણ્યું કે બીરબલ પરલોકમાં ગયો. બાદશાહ પોતાના વડીલોના સરવે સમાચાર મળશે, અને બીરબલના દુશ્મનો પોતાના વચમાંથી સદાનું નડતું કાસલ ગયું એમ જાણી બહુજ ખુશી થયા. અને આવી યુક્તી રચનાર હજામને બક્ષીસો આપી તેની તારીફ કરવા લાગ્યા. છ માસ પુરા થતાં ઇમામની કપટ પટુતાનો બદલો લેવા માટે બીરબલે અદભુત રૂપ ધારણ કરી બાદશાની સમક્ષ જઇ ઉભો અને કહ્યું કે, તમારો બીરબલ તમારા વડીલોના સમાચાર લાવ્યો છે. આવા વેષધારી બીરબલનું શ્‍વરૂપ જોઇ રાજા સહીત દરબાર ચકીત બની ગઈ. રાજાએ આદર સત્કાર કરી તમામ હકીકત પુછી ત્યારે બીરબલે જણાવ્યું કે, મારી ચેહને અગનીનો સ્પર્શ થતાંજ અંતરીક્ષથી દેવલોક આવી મારો હાથપકડી પુષ્પોનો હાર પહેરાવી વેમાનમાં બેસાડી સ્વર્ગ લોકમાં લઇ ગયા. સ્વર્ગની અલૌકીક લીલા નિહાલતાંજ મારા આનંદનો પાર રહ્યો નહીં. આંખને આંજી મનનું આકર્ષણ કરી રહેલી અપ્સરાઓ ? તેના મધુર સ્વરો ? તેની દિવ્ય ચક્ષુઓ ? તેનાં અદભુત આભુસણો ! તેનો નવલ નાટ્યારંભ ! અવણીય અમ્રુતનો સ્વાદ ? મનોહર કીન્નરોનાં ગીત ? આંખ સમીપ ચમત્કારીક બનાવો ખડા થયા ? અહા ! રાજા યોગીઓ યજ્ઞ યાગાદી સુકર્મો કરનારા સ્વર્ગ સુખ સંપાદન કરી શકતા નથી, તો પછી અધમ પ્રાણી કેમ સંપાદન કરી શકશે ? પુર્વના સંસ્કારીજ તે સુખને સંપાદન કરી શકે છે ? નામદાર ? સત્ય કહું છું કે અન્યાસે સંપાદન થયેલા તે પરમ સુખ, અમોલ વૈભવો તજી આ દાભીંક દુનિયાના આપ સ્વારથી લોકોના સમાગમમાં આવ્યો છું તે તમારા વડીલોએ દીધેલા સમાચાર તમને આપવાને ખાતર આવ્યો છું જો તમારા વડીલોએ તેમ કરવાની ફરજ ન પાડી હોત તો હું દગલબાજ દુનીયામાં કદી પણ પાછો પગ મુકત નહીં ? શું કહું ? સઘળી વાતે સુખી છતાં દુઃખી છે. એ દુઃખનો ડાક્ટર ત્યાં નથી. તેઓ મહા દુઃખ ભોગવે છે. તેઓએ કહ્યું છે કે તું જઇને કહેજે કે અમારા માથા પર બાલનો બોજો વધી જવાથી અમારા શરીરને કદરૂપી બનાવી કાંટા પેઠે ડંખ મારે છે. તમારા ઇમામ હજામનો