પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉઠ્યો કે, હજી સુધી વાદી ઝાડ પાશે જઇ આવ્યો નથી ? કેટલી બધી વાર ? આ સાંભળતાંજ પ્રતિવાદી બોલી ઉઠ્યો કે, તે ઝાડતો ઘણું દુર છે એટલે વાર તો લાગવાનીજ ? આનું આવું બોલવું સાંભળતાજ બીરબલે તરત તેનો હાથ પકડી લઈને કહ્યું કે, ડાહી માનો દીકરો થઇને લીધેલા રૂપીઆ આપી દે નહીં તો સખ્ત શિક્ષાને પાત્ર થઇશ. તેજ થાપણ ઓરવી છે-એમ તારા બોલવા પરથી મારી ખાત્રી થઇ છે. જો તે રૂપીઆ લીધા નથી તો પછી ઝાડ બહુ દુર છે તેની તને શી ખબર ? બીરબલના આ વાક્યો સાંભળતાજ તે પ્રતિવાદી ગભરાઇ જઈને પોતાના અપરાધની ક્ષમા માગી પચાવી પાડેલા રૂપીઆ વાદીને સ્વાધીન કીધા. આ જોઇ તમામ કચેરી બીરબલની ચાલાકીના વખાણ કરવા લાગી.

સાર--અંતે સત્ય હોય તેજ તરે છે. પારકાની દોલત પચાવી જતા શી દશા થાય છે તેનો વીચાર કરીનેજ દરેક માણસે આ માયીક જગતમાં પોતાનો વ્યવહાર પ્રમાણીકપણાથી ચલાવવો. તોજ જશ અને આબરૂ વધે છે. પોતાની દાનત ન બગડે અને શુદ્ધ રહે તેટલા માટે કોઈની પણ દોલત એકલે હાથે ન રાખતા પાંચની સમક્ષ રાખવી.

-૦-