પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુધી પાથરે છે ! એના કરેલાં કર્મનો બદલો એને મળશે ! ખોડવાલો માણસ દગલબાજ અને પાપી હોય છે. અને એવા અપ્રમાણીક ખોટી નીષ્ઠાવાળા માણસનો કોઇએ પણ વીશ્વાસ કરવો નહીં. આમ આ દાખલા પરથી સીદ્ધ થઇ ચુક્યું છે.' આ પ્રમાણે ખેદ પામતાં રાજાએ તે લંગડાને કહ્યું કે, અરે ઓ હરામખોર ? આવી ઠગાઇ કરતાં ક્યાંથી શીખ્યો ? તારા દુઃખી દીલની દયા ખાધી તેનો આવી રીતે બદલો વાળવા તત્પર થયો છે ? આવી રીતે કેટલાકોને ગળે પડીને હરામનો માલ પચાવી પાડ્યો છે ? સમજ, નહીંતો પાછળથી પસ્તાઇશ ? તારી ઠગાઇથી ઠગાઇ જઇને મારો ઘોડો તને પચવા દેનાર નથી.' માટે એક શબ્દનો ઉચ્ચાર કર્યા વગર ઓ અધમ ? મારા ઘોડા પરથી ઉતરી તારા અપરાધની ક્ષમા માગી ચાલતી પકડ. રાજાના આ કઠોર વચનો સાંભળતાંજ તે લંગડો રાતો પીળો થઇ જઈને આંખ ચઢાવીને રાજાને કહ્યું કે, ભાઇ બહુ થયુ લવારી કરવી મુકી દે ! બલતામાં ઘી શા માટે હોમે છે ? રંક જાણી જરા વાર ઘોડાપર બેસવા દીધો તેથી તારા બાપનો ઘોડો થઇ ગયો. આમ રસ્તે ચાલતાને ગળે પડીશ તો હાડકા રંગાઈ જશે. મારા જેવા ભીખારીને ગળે પડવાથી તારા ભવની ભુખ ભાંગનાર નથી ! જો ભવની ભુખ ભાંગવી હોય તો આ શહેરમાં શ્રીમંતોની કંઇ ખોટ નથી. આમ બંને જણ તકરાર કરતાં કરતાં બીરબલની સમક્ષ જઇ પોતાની હકીકત જણાવી ન્યાય માગ્યો. આ વખતે એક ખાટકી અને ઘાંચીનો કેસ ચાલતો હતો, તેથી બીરબલે બંનેને એક બાજુ બેસવાનો હુકમ કરી ખાટકી અને ઘાંચીને પુછ્યું કે, તમારી ખરી હકીકત શું છે તે કહો એટલે તમારી તકરારનો અંત આવશે ? તે સાંભળી ઘાંચીએ કહ્યું કે, ન્યાયાધીશ સાહેબ હું મારી રોકડની થેલીની પેટીની પાસે મુકી નામું લખતો હતો, એટલામાં આ ખાટકીએ આવી એક રૂપીઆનું તેલ લીધું. હું તેને તેલ આપી પાછો નીચું માથું કરી મારૂં નામું લખવા બેઠો. આ તકનો લાભ લઇને આ ખાટકી મારી થેલી ઉપાડી ચાલતી પકડી. મારી નજર તેની ઉપર પડતાં હું તરત તેની પાછળ દોડ્યો અને તેને થેલી સાથે રસ્તામાં પકડીને મારી ખુંચવી લીધી. આ થેલી ખુંચવી લીધા પછી આ ખાટકીએ મને દમ ભરાવીને કહ્યું કે, અલ્યા ચોર ! આ થેલી તારા બાપની નથી ! એ તો તારા બનેવીની છે માટે પાછી આપી દે. નહીં તો જમીન ભેગો કરી નાંખીશ. આમ રીકઝીક કરતાં કરતાં હું તેને આપની પાસે પકડી લાવ્યો છું, માટે આ પારકી દોલતનો ધણી થનાર ખાટકી ચોરને સખ્તમાં સખ્ત શીક્ષા કરી દાખલો બેસાડી મારી ખરી કમાણીથી એકઠી કરેલી નાણાની થેલી મને પાછી અપાવશો ! હું ઇશ્વરની પ્રતીજ્ઞા લઇને કહું છું કે આ મારી કહેલી હકીકત તદ્દન ખરી જ છે.'

……………
પચાસ ફટકાનો બાંધી માર.