પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ


દ્વારકાધીશમાં કે દત્તાત્રેયમાં માતૃભાવ, પિતૃભાવ, પુત્રભાવ, પતિભાવ, મિત્રભાવ કે ગુરુભાવ આરોપવો પડ્યો છે, અથવા કોઇ બીજાને માતાપિતા માનવાં પડ્યાં છે કે શિષ્ય પર પુત્રભાવ કેળવવો પડ્યો છે. પણ એ ભાવનાઓના વિકાસ વિના તો કોઇની ઉન્નતિ થ ઇ જ નથી.

વૈરાગ્ય એટલે પ્રેમનો અભાવ નહિ, પણ પ્રેમપાત્ર જનમાંથી સુખની ઇચ્છાનો નાશ. એમને સ્વાર્થી ગણી એમનો ત્યાગ કરવાનો ભાવ નહિ, પણ એમને વિષેના પોતાના સ્વાર્થોનો ત્યાગ અને એમને ખરૂં સુખ આપવા માટે પોતાની સર્વ શક્તિનો વ્યય. પ્રાણીઓ સંબંધે વૈરાગ્યની ભાવનાનું આ લક્ષણ.

પણ જડ સૃષ્ટિ પ્રત્યેનો વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના સુખ વિષે અનાસક્તિ. પંચવિષય પોતાના સુખદુઃખનું કારણ નથી, એમ સમજી એ વિષે અસ્પૃહા થયા વિના પ્રેમવૃત્તિનો વિકાસ થવો કે આત્મોન્નતિ થવી અશક્ય છે.

પ્રેમ હોય પણ તેમાં વિવેક ન હોય, તો એ કષ્ટદાયક થાય છે. જેની ઉપર પ્રેમ છે તેને સાચું સુખ આપવાની ઇચ્છા, એનો પણ કદી વિયોગ થશે જ એ સત્યને જાણી એને સ્વીકારી લેવાની તૈયારી, એ બે વિવેકની નિશાની છે. એ વિવેક ન હોય તો પ્રેમ મોહરૂપ કહેવાય.
૯૯