પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

અને ફેરવનારા પણ થયા છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે. એમણે પરમતત્ત્વ જાણી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂઝે, જે આચરણ યોગ્ય લાગે તે જે સચ્છાસ્ત્ર, તે જ સદ્ધર્મ. કોઈ પણ, બીજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.

આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીયે અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઇયે તો પ્રભુ આપણામાંયે અવતાર રૂપે પ્રકટ થવા મહેર કરે. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એનો ઉપયોગ આપણે એક ક્ષુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ, તેમજ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ, અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈયે.

૧૨