પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬: છાયાનટ
 

સામે ઊછળી !

તેને કશું દર્દ થઈ આવ્યું !

ગાલ ઉપર દર્દ હતું, નહિ ?

પેલી મિત્રા અને નિશા ક્યાં ચાલ્યાં ગયાં ?

હજી તે પલંગ ઉપર જ કેમ પડી રહ્યો હતો ? એણે ચાલવા માંડ્યું હતું તેનું શું થયું ?

પાછું સ્વપ્ન ?

વિચિત્ર સ્વપ્નનો રોગ તેને લાગુ પડ્યો હતો શું ?

કે જૂના સંસ્કારો જીવંત બનતા હતા ?

નહિ તો ‘મોહિની સ્વરૂપ’ની કથા તેને યાદ કેમ આવે ?

આજ સુધી કદી તેના સ્વપ્નામાં સ્ત્રી આવી ન હતી - આમ આકર્ષણ અર્થે તો નહિ જ.

હિંદનું રાજ્ય ગુમાવનાર પૃથુરાજ તેને યાદ આવ્યો.

ગુજરાતનું રાજ્ય ગુમાવનાર કરણ તેને યાદ આવ્યો.

રસ અને વિલાસની એ મૂર્તિઓ ! સ્વપ્નમાં દેખાયલું યુગ્મ તે પૃથુરાજ અને સંયુક્તા ! હવે તેને સમજ પડી.

‘હું બે વાર આવી ગઈ ! સારી ઊંઘ આવી લાગે છે, નહિ ?' મિત્રાનો સાચો કંઠ સંભળાયો.

ગૌતમ બેઠો થયો. તેને આ ઘરમાંથી નાસી જવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ સ્વપ્નને બહાને નાસી કેમ જવાય ?

‘તોફાન તો પાછું વધ્યું છે, હોં !’ મિત્રાએ સમાચાર આપ્યા. ‘અને એ શમે નહિ ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે.’ લોપાય નહિ એવી આજ્ઞા મિત્રાએ કરી.