પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૫
 

લંબાયો કે જાણે કૉલેજના છાત્રાલય ઉપર મશિનગનનો* [૧] મારો ચાલતો હોય. ગૌતમ વીર હતો, વીર બનવાનાં સ્વપ્ન સેવતો હતો. છતાં તેના હૃદયનો ધડકાર વધી ગયો. એ ધડકારને ન ગણકારતાં તે આગળ વધ્યો. ઓરડીની બારી ઉઘાડી હતી. એ બારીમાંથી વરસાદનું પાણી તેની ઓરડીમાં પ્રવેશી રહ્યું હતું. બહારના અંધકારભર્યા આકાશને અજવાળતા વીજળીના ઝબકારા ઓરડીના અંધકારને પણ કાબરચીતરો બનાવતા હતા.

ગૌતમે બારીની બહાર નજર નાખી. વીજળીના ચાલુ ચમકારા વચ્ચે તૂટી પડેલી વીજળીની એક વજ્રવેલ પાછળના ભયાનક કડાકાનો ભણકાર હજી શમ્યો ન હતો. સૂતેલા માનવીજગતે, વિદ્યાર્થીજગતે મીંચેલી આંખો જોરથી મીંચી અને ઓઢેલા ઓઢણનો વધારે આશ્રય લીધો. મેઘ પ્રસન્ન થઈને - કે ક્રૂદ્ધ બનીને ? - ભૂમિ ઉપર વરસી રહ્યો હતો. વીજળી હસતી ત્યારે મેઘ હસતો; વીજળી સંતાતી ત્યારે મેઘ અંધકારતો. આકાશી સત્ત્વોનો આ તલ્લકછાંયો માનવીને તો ભયાનક જ લાગતો હતો.

સહસ્રચક્ષુ વરસાદ અને દશાનન રાવણ વચ્ચે શો સંબંધ ? વરસાદ જેટલો વ્યાપક રાવણ હોય તો ? રામના વિજયની કલ્પના પણ વાલ્મીકિને ન આવી હોત. પવન વાસીદાં વાળે, મેઘ પાણી ભરે, સૂર્યચંદ્ર દીવા કરે, નવગ્રહ પલંગના પાયા નીચે દબાઈ રહે એવી સત્તાવાળો રાવણ દસને બદલે સહસ્ત્ર શીર્ષવાળો બની જન્મે તો ?

પુનર્જન્મની કલ્પના એટલે વહેમ ! વ્યક્તિગત માનવી ફરી અવતાર લેતો જ નથી ! વિજ્ઞાન પાસે પુનર્જન્મની સાબિતી નથી !

ત્યારે રાવણ આટલે વર્ષે ગૌતમના સ્વપ્નમાં ક્યાંથી સજીવન થયો ?

સરળ વાત ! એમાં કાંઈ ચમત્કાર ન જ હતો ! ગાંધીજીના રામરાજ્યની કલ્પના વિરુદ્ધ ગૌતમે લખેલો એક લેખ જાણીતા માસિકે પ્રસિદ્ધ કર્યો હતો. હિંદના ઉદ્ધારની યોજના કરતા સૂતેલા ગૌતમને સ્વપ્નમાં પણ હિંદના પ્રશ્નો સતાવે જ. રામરાજ્યના લેખથી તેની સ્વપ્નસૃષ્ટિએ રાવણ ઊભો કર્યો, અને રાવણને મૂર્તિમાન બનાવવામાં મેઘવીજળીભર્યા વાતાવરણને પૂર્ણ સહાય આપી. સાચા કે ખોટા આર્યાવર્તના એક આદર્શરૂપ રામની સામે ગૌતમ પોતાનો આદર્શ રજૂ કરે ત્યારે જરૂર નાનપણના સંસ્કાર તેની નિદ્રામાં રાવણને ઉપજાવે જ ! સ્વપ્ન વિષેની પશ્ચિમની ફિલસૂફી, હમણાં જ વાંચી ગયેલા ગૌતમને સ્વપ્ને આપેલી


  1. * યાન્ત્રિક તોપ