પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૪૧
 

થઈ ગઈ હતી, પરંતુ ગુંડાઓની દોરવણી કે ઉત્તેજનથી ચાલતી બેચાર હોટેલોને કશી હરકત પડતી નહીં. હિંદુમુસ્લિમ ઝઘડાખોરો છરી ખોસી, ઘર બાળી, પથરા ફેંકી કે મારામારી કરી પાછા ફરતાં આવી હોટલમાં વિસામો લેતા, અને ચાબિસ્કિટ દ્વારા લાગેલો થાક ઉતારી આગળનો વ્યુહ ગોઠવતા.

‘આવો પહેલવાન ! બહુ દિવસે દેખાયા !’ પોલીસથાણામાં પેસતાં કીસનને આવકાર મળ્યો.

‘આ તોફાનમાં ક્યાં બહાર નીકળાય ? ફોજદાર સાહેબ છે કે ?’

‘હા, અંદર જ છે. જાઓ ને ? તમને કોણ પૂછે એમ છે ?' સિપાઈએ કહ્યું.

અંદરની એક સાધારણ સજાવટવાળી ઓરડીમાં આરામખુરશી ઉપર ફોજદાર સાહેબ અડધી ઊંઘમાં પડ્યા હતા. હોટલમાંથી ત્રીજી વારની ચા હજી આવી ન હતી. કીસનને જોતાં તેઓ જાગૃત થઈ ગયા. કૈંક ઉપયોગી બાતમી આપવા એ આવ્યો હતો એમ એમની ખાતરી થઈ.

‘લો સાહેબ, તમારો એક ગુનેગાર ભાગી જતો હતો. સંભાળી લો.’ કીસને અંદર જતા બરોબર કહ્યું.

‘કયો ગુનેગાર ?’

‘ભગવાનદાસ જામીન થયા છે તે ! બડો ઉસ્તાદ છે. રાતના ભાગી ગયો છે.'

‘અરે હા રે ! આખી રાત ભગવાનદાસે મારો જાન કાઢી નાખ્યો ! ચારે બાજુએથી તપાસ ઉપર તપાસ. સસરો જામીન થયો શા માટે ?’

'કરો ફોન એને, નહિ તો બપોર પહેલાં એનું હૃદય બંધ પડી જશે !’

‘આ પૈસાવાળા જ બધાં તોફાનનાં મૂળ છે. કોઈ એમનો ગાડીવાળો, કોઈ એમનો ઘોડાવાળો, કોઈ એમનો શૉફર ! બધાય તોફાનમાં અને જામીનગીરીમાં મોટા લોકો જ તૈયાર ! પછીથી બૂમ મારે કે પોલીસ કશું કરતી નથી !'

‘લેઈ લો આનો હવાલો, અને મને રજા આપો.' કીસને કહ્યું.

‘અરે બેસો ને યાર ! થાય છે. ચાબા પીઈને જાઓ. આ તો પેલો કૉલેજિયન છે, તે ને ?’

'હા.'

‘હડતાલવાળો ?’

'હં.'