પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭


એ પાંચછ દિવસ ગૌતમને પાંચ છ વર્ષ જેટલા લાગ્યા. કાચા કામના કેદી તરીકે બીજા કંઈક ગુનેગારોનો તેને સાથ મળ્યો - એક જ ઓરડીમાં. એમાંથી એને ઘણું ઘણું જાણવાનું મળ્યું. એક જણ ઝડપથી દોડી ન શક્યો માટે પકડાયો; બીજા રસ્તે અમસ્તો જતાં જ પકડાયો; ત્રીજો ડૉક્ટરને ઘેર જતો હતો; ચોથો ખરેખર ઉશ્કેરાઈને છરી લેઈ બહાર પડ્યો હતો; પાંચમાએ ટોળા ઉપર મરચમાંની ભૂકી વેરી હતી અને છઠ્ઠાએ તો ટોળાને વીંટી કાઢી આપી જીવ બચાવ્યો હતો. આ છતાં આ સઘળાને પોલીસે બદમાશો તરીકે પકડી લીધા હતા. એક પણ અમલદાર કે અમલદારનો દીકરો, શાહુકાર કે શાહુકારનો દીકરો, સાક્ષર કે સાક્ષરનો દીકરો પકડાયલી ટોળીમાં ન હતો.

વર્તમાનપત્રો ક્વચિત્ હાથમાં આવતાં અને રખેવાળો વાતચીત કરતા હતા તે ઉપરથી હુલ્લડ શમવાનાં સર્વ ચિહ્નો દેખાતાં હતાં. આગેવાન થઈ ફરતા ગૃહસ્થો માટે કડવામાં કડવી ટીકા થતી હતી. મહાસભાના સ્થાનિક નેતાઓમાંના બેત્રણ જણની મોટરકારના કાચ ભાંગ્યા. એ નેતાઓ દવાખાને દોડી પહોંચ્યા, અને વગર ઘવાયે દર્દી તરીકે સારવાર મેળવી ચારપાંચ જોખમભર્યા દિવસો તેમણે કલ્પિત માંદગીમાં જ કાઢી નાખ્યા. સુલેહ-સમિતિઓની પણ ઝડપભરી સ્થાપના થઈ ગઈ અને પોલીસસંરક્ષણ નીચે અનુકૂળતાએ હિંદુમુસ્લિમ લત્તાઓમાં જઈ સમિતિના સભ્યોએ નુકસાન માટે આશ્વાસન આપ્યું, ભાવિ માટે હિંમત આપી અને અફવાઓને ન ગણકારવાની બહુ ઉપયોગી સલાહ ચારેપાસ વેરી. જોકે સમિતિના હિંદુ સભ્યો મુસલમાનો કેટલા ઘવાયા તેની અને તેના મુસ્લિમ સભ્યો હિંદુઓ કેટલા ઘવાયા તેની કાળજીભરી છૂપી બાતમી મેળવી પરકોમના વધારે નુકસાનમાં છૂપી રીતે રાજી તો થતા જ હતા ! હિંદુમુસ્લિમ વિદ્યાર્થીઓએ ભેગા થઈ સરઘસો કાઢવા માંડ્યાં, અને છબી પડાવવાની સતત તૈયારીવાળા બાંકા બોયસ્કાઉટોએ વગર જરૂરની વ્યવસ્થા કરી સહુની સાથે મહાસેવા બજાવ્યાનો સંતોષ લીધો. જુસ્સાવાળા ગરવા ગુજરાતીઓએ ખંતપૂર્વક ચારપાંચ દિવસ માટે દસપદર દંડબેઠક જેટલી કસરત શરૂ કરી અને આયનામાં સ્નાયુઓ બઢ્યા હોવાની ખાતરી કરી છઠ્ઠે દિવસે કસરતને બીજા હુલ્લડ સુધી મુલતવી રાખી. હુલ્લડ વખતે